સાક્ષી મલિક રેલવેની નોકરીમાં પાછી ફરી, પણ આંદોલન છોડ્યું નથી

નવી દિલ્હીઃ ઓલિમ્પિક મેડલવિજેતા કુસ્તીબાજ સાક્ષી મલિક ભારતીય રેલવેમાં તેની ફરજ પર પાછી ફરી છે અને પોતે કુસ્તીબાજોનાં આંદોલનમાંથી હટી ગઈ છે એવા અહેવાલોને તેણે રદિયો આપ્યો છે. અખબારી અહેવાલો અનુસાર, સાક્ષી ઉત્તરીય રેલવેમાં તેની નોકરી પર પાછી ફરી છે. એવી જ રીતે, અન્ય મહિલા પહેલવાનો – વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા પણ એમની નોકરીમાં પાછાં ફર્યાં છે. સાક્ષી મલિકે એક નિવેદનમાં કહ્યું છે કે, હું આંદોલનમાંથી હટી ગઈ હોવાના અહેવાલો સાવ ખોટા છે. ન્યાયના જંગમાં અમારામાંથી પાછું હટ્યું નથી અને હટશે પણ નહીં. સત્યાગ્રહ સાથે હું મારી જવાબદારી પણ નિભાવી રહી છું. ન્યાય મળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે.

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા અને ઉત્તર પ્રદેશના કૈસરગંજમાં ભાજપના સંસદસભ્ય બ્રિજભૂષણ સિંહ સામે પહેલવાનોએ લૈંગિક શોષણનો આરોપ મૂક્યો છે અને તેમનું રાજીનામું લેવામાં આવે તથા એમની ધરપકડ કરવામાં આવે એવી માગણી સાથે છેલ્લા દોઢ મહિનાથી નવી દિલ્હીમાં આંદોલન પર છે. બ્રિજભૂષણ સિંહ છ વખત સંસદસભ્ય તરીકે ચૂંટાયા છે. એક વાર સમાજવાદી પાર્ટીની ટિકિટ પર અને પાંચ વાર ભાજપની ટિકિટ પર.

પહેલવાનો ગયા શનિવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને દિલ્હીમાં એમના સત્તાવાર નિવાસસ્થાને જઈને મળ્યાં હતાં. શાહે એમને કહ્યું હતું કે કાયદાને એનું કામ કરવા દો. સાક્ષી મલિકનાં પતિ અને પહેલવાન સત્યવ્રત કાદિયાને કહ્યું કે, ગૃહ પ્રધાન તરફથી અમને અપેક્ષિત પ્રતિસાદ મળ્યો નથી.