ભારત સામે WTC ફાઈનલ મેચઃ ઓસ્ટ્રેલિયાની ટીમમાં હેઝલવૂડની જગ્યાએ માઈકલ નેસર

લંડનઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતી 7 જૂનથી અહીંના ઓવલ મેદાન પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાવાની છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં એક ફેરફાર કરાયો છે. ફાસ્ટ બોલર જોશ હેઝલવૂડ પગની પિંડીના સ્નાયૂ અને એડીના હાડકાને જોડતી કંડરા (મોટા સ્નાયુ)ની તકલીફમાંથી સાજો થયો નથી. તેથી એને પડતો મૂકવામાં આવ્યો છે અને એની જગ્યાએ 33 વર્ષના અન્ય ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર માઈકલ નેસરને સામેલ કરવામાં આવ્યો છે.

હેઝલવૂડ આ ઈજાને કારણે આ વર્ષે તેની ટીમનો ભારતપ્રવાસ પણ ચૂકી ગયો હતો, તેમજ આઈપીએલ-2023માં પણ એ મોડેથી જોડાયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમ વતી માત્ર ત્રણ જ મેચ રમ્યા બાદ એની પીડા શરૂ થઈ હતી અને તે સ્પર્ધા અધવચ્ચે પડતી મૂકીને સ્વદેશ પાછો જતો રહ્યો હતો. હેઝલવૂડની જગ્યાએ ટીમમાં સામેલ થયેલો નેસર બે ટેસ્ટ મેચ અને બે વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમ્યો છે. જો એનો સમાવેશ ઓસ્ટ્રેલિયાની ઈલેવનમાં કરવામાં આવશે તો વિદેશની ધરતી પર એની તે પહેલી ટેસ્ટ મેચ બનશે.

અપડેટ કરાયેલી ઓસ્ટ્રેલિયન ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ (વાઈસ કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમરુન ગ્રીન, માર્કસ હેરિસ, ટ્રાવિસ હેડ, જોશ ઈંગ્લિશ (વિકેટકીપર), ઉસ્માન ખ્વાજા, માર્નસ લેબુશેન, નેથન લિયોન, ટોડ મર્ફી, માઈકલ નેસર, મિચેલ સ્ટાર્ક અને ડેવિડ વોર્નર. (સ્ટેન્ડ-બાયઃ મિચેલ માર્શ અને મેથ્યૂ રેનશો).