કોલંબોઃ એશિયા કપ 2022નું આયોજન આ વર્ષે શ્રીલંકામાં થવાનું છે. 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી રમાનારી આ ટુર્નામેન્ટ પર સંકટનાં વાદળો છવાયેલાં છે. શ્રીલંકામાં રાજકીય ઊથલપાથલને કારણે એશિયા કપના આયોજન સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. હવે ચર્ચા એ ચાલી રહી છે કે એશિયા કપનું આયોજન હવે ભારતમાં થશે. BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે બોર્ડ શ્રીલંકાની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
શ્રીલંકા હાલના દિવસોમાં હિંસા, ભૂખમરો અને આર્થિક તંગીથી ઝઝૂમી રહ્યું છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ પણ દેશમાંથી ભાગી ગયા છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની તંગી વર્તાઈ રહી છે, જેની સીધી અસર ટુર્નામેન્ટના આયોજન પર થઈ રહી છે. ખાસ કરીને એશિયા કપ પર સંકટ છવાયેલું છે, એમ શ્રીલંકન ક્રિકેટર ચમિકા કરુણારત્નેએ કહ્યું હતું.
તેણે કહ્યું હતું કે હું પ્રેક્ટિસ પણ નથી કરી શકતો. મને ખબર નથી કેવી રીતે એશિયા કપ અને લંકા પ્રીમિયર લીગ (LPL) થશે. તેણે કહ્યું હતું કે મારા સારા નસીબ કે મને બે દિવસે લાઇનમાં લાગ્યા પછી પેટ્રોલ મળી ગયું, કેમ કે દેશમાં ફ્યુઅલની અછત વર્તાઈ રહી છે. મને રૂ. 10,000માં પેટ્રોલ મળી ગયું, જે માત્ર બે કે ત્રણ દિવસ ચાલશે. ઓગસ્ટમાં શ્રીલંકામાં એશિયા કપ રમાવાનો છે. એ સાથે આ વર્ષે લંકા પ્રીમિયર લીગ પણ થવાની છે. એના પર આર્થિક અને ફ્યુઅલનું સંકટ છવાયેલું છે.