નવી દિલ્હીઃ વિશ્વની સૌથી આકર્ષક T20 લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) હવે 15મી સીઝન તરફ આગળ વધી રહી છે. IPLની 15મી સીઝનનું આયોજન ભારતમાં થશે, એમ BCCIના સચિવ જય શાહે જણાવ્યું હતું. ટીમ ઇન્ડિયાના ઓપનર બેટ્સમેન KL રાહુલ પંજાબ કિંગ્સને અલવિદા કહીને લખનઉની નવી ટીમમાં સામેલ થવા માટે તેને રૂ. 20 કરોડના પગારની ઓફર થઈ છે. આ વર્ષના પ્રારંભમાં RP-સંજીવ ગોએન્કા (RPSG) ગ્રુપે લખનઉની ફ્રેન્ચાઇઝી રૂ. 7000 કરોડમાં ખરીદી છે.
KL રાહુલ એ ટોચના ક્રિકેટરો પૈકીનો હશે, જેમને સંબંધિત ફ્રેન્ચાઇઝી દ્વારા છૂટા કરવામાં આવશે. IPL -2022ની લિલામી જાન્યુઆરીમાં યોજવામાં આવે એવી શક્યતા છે. હાલની આઠ ટીમોને દરેક ટીમદીઠ ચાર ખેલાડીઓને બદલવાની મંજૂરી છે. આ વખતે અમદાવાદ અને લખનઉની નવી ટીમો હશે, જેને ક્રિકેટરોમાંથી ત્રણ-ત્રણ ક્રિકેટરો પસંદ કરવાની મંજૂરી હશે. રાહુલ લખનઉની ટીમ સાથે વાતચીત કરી રહ્યો છે અને એ હરાજીમાં જવાની હવે સંભાવના નથી.
અહેવાલ મુજબ લખનઉ ફ્રેન્ચાઇઝીએ ટીમ ઇન્ડિયાના T20 ટીમના વાઇસ કેપ્ટનને આકર્ષક સેલરી ઓફર કરી છે. ઇનસાઇડસ્પોર્ટ્સ.ઇન વેબસાઇટના અનુસાર RPSG ગ્રુપે રાહુલને રૂ. 20 કરોડ કરતાં વધુ ઓફર કર્યા છે. જો આ સાચું હશે તો કર્ણાટકનો ઓપનર બેટ્સમેન રાહુલ IPL ટુર્નામેન્ટનો સૌથી મોંઘો ખેલાડી બની જશે. અત્યાર સુધી RCB તરફથી રમતા વિરાટ કોહલીને 2018થી 2021 માટે રૂ. 17 કરોડની ચુકવણી કરવામાં આવી છે.