ડેક્સા-ટેસ્ટમાં પાસ ખેલાડીને જ ટીમ ઈન્ડિયામાં સ્થાન

મુંબઈઃ ગયા વર્ષમાં ભારતીય ટીમના અનેક ખેલાડીઓ જુદા જુદા પ્રકારની ઈજાનો સામનો કરવો પડ્યો હતો. જસપ્રીત બુમરાહ, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા જેવા મહત્ત્વના ખેલાડીઓનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. બુમરાહ અને જાડેજાની ગેરહાજરીને કારણે ટીમ ઈન્ડિયાએ અનેક મેચ ગુમાવવી પડી છે. તેથી હવે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ખેલાડીઓની ફિટનેસ ટેસ્ટ બાબત એક મોટો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયામાં ખેલાડીની પસંદગી યો-યો ટેસ્ટ ઉપરાંત ડેક્સા (DEXA) ટેસ્ટના પરિણામ મુજબ કરવામાં આવશે. ડેક્સા સ્કેનમાં જો કોઈ સમસ્યા આવશે તો ખેલાડીની પસંદગી કરાશે નહીં. આમ, ખેલાડીઓએ હવે બે ટેસ્ટમાંથી પાસ થવાનું રહેશે.

શું છે ડેક્સા ટેસ્ટ?

ડેક્સા ટેસ્ટ હાડકાંની ઘનતા (બોન ડેન્સિટી) તપાસવાનો એક પ્રકાર છે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં એક્સ-રે ટેક્નોલોજી વાપરવામાં આવે છે. ડેક્સા એક સુરક્ષિત, પીડારહિત અને ઝડપી તપાસ કરનારી પદ્ધતિ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય હાડકાની તાકાત તપાસવાનો છે. આ ટેસ્ટમાં બે પ્રકારના બીમ તૈયાર કરાય છે. એક બીમની ઊર્જા ખૂબ વધારે હોય છે જ્યારે બીજાની ઓછી હોય છે. બંને બીમ હાડકાની અંદર જાય છે અને એક્સ-રે પાડે છે, જે હાડકાની જાડાઈ-મજબૂતી દર્શાવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા ડેક્સા મશીન દ્વારા કરવામાં આવે છે. સંપૂર્ણ સ્કેન એ પણ બતાવે છે કે હાડકામાં કોઈ પ્રકારનું ફ્રેક્ચર થવાની સંભાવના છે કે નહીં. એટલું જ નહીં, શરીરમાંની ચરબીની ટકાવારી, વજન અને કોષોની તંદુરસ્તીની પણ માહિતી પ્રાપ્ત થાય છે. માત્ર 10 મિનિટની જ રહેતી આ ટેસ્ટ કહી આપે છે કે ખેલાડી શારીરિક રીતે કેટલો તંદુરસ્ત છે. ડેક્સાનું બીજું નામ છે બોન ડેન્સિટી ટેસ્ટ (BDT).