BCCIની સમીક્ષા બેઠકમાં અનેક મહત્વના નિર્ણયોને મંજૂરી

મુંબઈમાં BCCIની સમીક્ષા બેઠક પૂરી થઈ ગઈ છે. આ સમીક્ષા બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ સાથે જ ODI વર્લ્ડ કપ પહેલા વર્ક લોડ મેનેજમેન્ટ અને ખેલાડીઓની ઈજા પર એક પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. આ સિવાય BCCIએ સમીક્ષા બેઠકમાં 20 ખેલાડીઓના નામ શોર્ટલિસ્ટ કર્યા છે, જેઓ આગામી ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હશે. જો કોઈ ખેલાડી ઈજામાંથી સાજા થઈને ટીમમાં પાછો ફરે છે તો તેણે પહેલા યો-યો ટેસ્ટ અને ડેક્સા ટેસ્ટ પાસ કરવી પડશે.

BCCIની સમીક્ષા બેઠકમાં શું થયું?

BCCIની સમીક્ષા બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાષ્ટ્રીય ટીમમાં યુવા ખેલાડીઓની પસંદગી કરતા પહેલા ઘરેલુ ક્રિકેટના પ્રદર્શનને ધ્યાનમાં રાખવામાં આવશે. જોકે, BCCIએ સમીક્ષા બેઠક બાદ નિવેદન જાહેર કર્યું છે. આ બેઠકમાં બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્ની, સેક્રેટરી જય શાહ ઉપરાંત ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, મુખ્ય કોચ રાહુલ દ્રવિડ હાજર હતા. આ ઉપરાંત નેશનલ ક્રિકેટ એકેડમીના વડા વીવીએસ લક્ષ્મણ અને પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્મા આ પ્રસંગે હાજર રહ્યા હતા.

બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ખેલાડીઓની ઉપલબ્ધતા, વર્કલોડ મેનેજમેન્ટ અને ફિટનેસ માપદંડો પર ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાય આગામી ODI વર્લ્ડ કપ 2023ની યોજના અંગે ચર્ચા કરવામાં આવી હતી.

BCCI સમીક્ષા બેઠકના મહત્વના નિર્ણયો

  • રાષ્ટ્રીય ટીમમાં પસંદગી કરતા પહેલા યુવા ખેલાડીઓને સ્થાનિક ક્રિકેટમાં પ્રદર્શનના આધારે જજ કરવામાં આવશે. રાષ્ટ્રીય ટીમમાં પસંદગીનો આધાર ઘરેલું પ્રદર્શન હશે.
  • યો-યો ટેસ્ટ સિવાય ડેક્સા ટેસ્ટ પાસ કરવી ફરજિયાત રહેશે. તમામ ખેલાડીઓ યો-યો ટેસ્ટ અને ડેક્સા ટેસ્ટના દાયરામાં આવશે.
  • ભવિષ્યના પ્રવાસ કાર્યક્રમ અને આગામી ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને નેશનલ ક્રિકેટ એકેડમી IPL ટીમો સાથે કામ કરશે. ખાસ કરીને એવા ખેલાડીઓ પર નજર રાખવામાં આવશે, જેઓ IPL 2023નો ભાગ હશે.