ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં બનાવાશે ‘વિરાટ કોહલી સ્ટેન્ડ’

નવી દિલ્હી – દિલ્હી અને ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ) દ્વારા શહેરના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમના એક સ્ટેન્ડને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું નામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોહલી 30 વર્ષનો છે અને પોતાના નામે સ્ટેન્ડ ધરાવનાર એ સૌથી યુવાન વયનો ક્રિકેટર બનશે.

નામકરણનો કાર્યક્રમ આવતી 12 સપ્ટેંબરે દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં રાખવામાં આવ્યો છે.

કોટલા સ્ટેડિયમમાં બિશનસિંહ બેદી અને મોહિન્દર અમરનાથનાં નામના પણ સ્ટેન્ડ છે, પરંતુ એ બંને ખેલાડીએ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો તે પછી એમને તે બહુમાન પ્રાપ્ત થયું હતું. જ્યારે કોહલી સૌથી યુવા સક્રિય ક્રિકેટર છે જેના નામે સ્ટેન્ડનું નામ રાખીને એને સમ્માનિત કરવામાં આવશે.

ડીડીસીએના ચેરમેન રજત શર્માએ એક નિવેદનમાં કહ્યું છે કે વર્લ્ડ કપ સ્પર્ધામાં વિરાટ કોહલીના શાનદાર યોગદાને ડીડીસીએને ગૌરવાન્વિત કર્યું છે. કોહલીએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે અને નવા રેકોર્ડ બનાવ્યા છે. એને સમ્માનિત કરવામાં અમને ખુશી થશે.

દિલ્હીનાં અન્ય બે ક્રિકેટર – વિરેન્દર સેહવાગ અને ભૂતપૂર્વ મહિલા ક્રિકેટ કેપ્ટન અંજુમ ચોપરાનાં નામે કોટલા સ્ટેડિયમમાં ગેટ છે, જ્યારે હોલ ઓફ ફેમને ભૂતપૂર્વ કેપ્ટન સ્વ. મન્સુરઅલી ખાન પટૌડીનું નામ આપવામાં આવ્યું છે.

રજત શર્માએ કહ્યું કે વિરાટ કોહલી સ્ટેન્ડ દિલ્હીના યુવા ક્રિકેટરો માટે પ્રેરણાસ્રોત બની રહેશે. અમને આનંદ છે કે ટીમ ઈન્ડિયામાં માત્ર કેપ્ટન જ દિલ્હીનો ખેલાડી છે એટલું જ નહીં, પણ ઓપનર શિખર ધવન, વિકેટકીપર રિષભ પંત અને ફાસ્ટ બોલર ઈશાંત શર્મા પણ દિલ્હીનાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]