બધા દેશો માટે જોખમી બની ગયો છે વિરાટ કોહલીઃ કોલિંગવૂડ

લંડનઃ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન પોલ કોલિંગવૂડે ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની ભરપૂર પ્રશંસા કરી હતી. તેણે કહ્યું હતું કે એ મહાન બેટ્સમેન ફોર્મમાં પાછો ફર્યો છે. અને હવે એ બધા દેશો માટે જોખમી બની ગયો છે. 1205 દિવસની રાહ પછી વિરાટ કોહલી ગયા સપ્તાહે છેલ્લે એક ટેસ્ટ સદી ફટકારી હતી. અમદાવાદમાં તેણે ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાં 28મી સદી ફટકારી હતી. આ છેલ્લી ટેસ્ટ સદી અને એકની વચ્ચે 41 ઇનિંગ્સનું અંતર હતું. તેણે આ પહેલાં બંગલાદેશની સામે નવેમ્બર, 2019માં ત્રણ વર્ષ પહેલાં સદી ફટકારી હતી. ત્યારે વિરાટે 186 રન ફટકાર્યા હતા. તેણે ફટકારેલી ઓસ્ટ્રેલિયા સામેની સદીની મદદથી ભારટ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યું હતું. કોલિંગવૂડે કહ્યું હતું કે વિરાટ વિશ્વ સ્તરીય ક્રિકેટર છે અને તેણે કશું સાબિત કરવાની જરૂર નથી. તે ફોર્મમાં આવી ગયો છે અને હવે તે બધા દેશ માટે જોખમી બની ગયો છે. તે એક ક્લાસ બેટ્સમેન છે, જે કોઈ પણ સ્થિતિમાં ક્યાંય પણ રન બનાવી શકે છે.

કોહલીને નામે હાલમાં કુલ 75 આંતરરાષ્ટ્રીય સદી છે. તે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય બેટ્સમેનોની યાદીમાં બીજા ક્રમે છે, જેમાં સચિન તેંડુલકર ટોચના સ્થાને છે. કોલિંગવૂડે ઋષભ પંત વિશે પણ વાત કરતાં કહ્યું હતું કે તે એક સારો બેટ્સમેન છે. જે જે પ્રકારની રમત રમે છે –એ શાનદાર છે. તેની પાસે ગેમ પલટવાની ક્ષમતા છે. હું તેને ફરી એક વાર મેદાન પર પરત ફરતા જોવા માગું છું.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]