વિરાટ કોહલી, મીરાબાઈ ચાનુને ખેલ રત્ન આપવાની ભલામણ

મુંબઈ – ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને મહિલા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુને આ વર્ષ માટેનો ‘રાજીવ ગાંધી ખેલ રત્ન’ એવોર્ડ આપવાની ભલામણ કરવામાં આવી છે.

મીરાબાઈ ચાનુએ આ વર્ષની ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

‘ખેલ રત્ન’ ભારતનો સર્વોચ્ચ ખેલકૂદ પુરસ્કાર છે.

એવોર્ડ સમિતિએ કોહલી અને ચાનુનાં નામની ભલામણ કરી છે. આ ભલામણ કેન્દ્રીય ખેલકૂદ પ્રધાન રાજ્યવર્ધન રાઠોરની મંજૂરીને આધીન છે.

કોહલીને જો ‘ખેલ રત્ન’ અપાશે તો આ સમ્માન પ્રાપ્ત કરનાર એ ત્રીજો ક્રિકેટર બનશે. આ પહેલાં સચીન તેંડુલકર (1997-98) અને મહેન્દ્ર સિંહ ધોની (2007) આ એવોર્ડ મેળવી ચૂક્યા છે.

ભારતનો ટોચનો પુરુષ બેડમિન્ટન ખેલાડી કિદામ્બી શ્રીકાંત પણ ‘ખેલ રત્ન’ એવોર્ડ માટે દાવેદાર હતો, પણ 24 વર્ષની ચાનુ સામે એ હારી ગયો છે. ચાનુ 48 કિ.ગ્રા. વર્ગમાં વર્લ્ડ રેકોર્ડ સાથે હાલ વર્લ્ડ ચેમ્પિયન છે.

‘ખેલ રત્ન’ એવોર્ડ છેલ્લા ચાર વર્ષના સમયગાળામાં ખેલકૂદ ક્ષેત્રમાં સૌથી આકર્ષક અને અસાધારણ દેખાવ કરવા બદલ આપવામાં આવે છે.

કોઈ પણ વર્ષમાં વધુમાં વધુ બે ખેલાડીને આ એવોર્ડ આપી શકાય છે. 12-સભ્યોની એવોર્ડ કમિટી નામોની ભલામણ કેન્દ્રીય ખેલકૂદ પ્રધાનને કરે છે. જેમની મંજૂરી બાદ એવોર્ડ આપવાનું નક્કી થાય છે.

કોહલી હાલ આઈસીસી રેન્કિંગ્સ અનુસાર વિશ્વનો નંબર-1 ટેસ્ટ બેટ્સમેન છે. છેલ્લા ત્રણ વર્ષથી એનો દેખાવ અસાધારણ રહ્યો છે. 29 વર્ષના કોહલીએ 71 ટેસ્ટ મેચોમાં 23 સદી સાથે 6,147 રન કર્યા છે અને 211 વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં 35 સદી સાથે 9779 રન કર્યા છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલીએ અત્યાર સુધીમાં કુલ 58 સદી ફટકારી છે. સૌથી વધુ સદી કરનાર બેટ્સમેનોમાં એ સચીન તેંડુલકર બાદ બીજા ક્રમે છે. સચીને કુલ 100 સદી ફટકારી છે.

કોહલીને 2017માં ‘પદ્મશ્રી’ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યો હતો.

ગયા વર્ષે ‘ખેલ રત્ન’ એવોર્ડ હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સરદાર સિંહ અને પેરા-એથ્લીટ દેવેન્દ્ર ઝાઝરિયાને આપવામાં આવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]