લંડનઃ ગઈ કાલે અહીં યૂરો-કપ ફૂટબોલ સ્પર્ધાની ફાઈનલમાં ઈટાલી સામે પરાજય થયા બાદ ઈંગ્લેન્ડના વિફરેલા ફૂટબોલપ્રેમીઓએ હિંસા કરતાં 2030ની ફિફા વર્લ્ડ કપ ફૂટબોલ સ્પર્ધાનું યજમાન મેળવવાના લંડનના પ્રયાસોને ફટકો પડી શકે છે. પેનલ્ટી શૂટઆઉટ પરિણામમાં ઈંગ્લેન્ડનો 2-3થી પરાજય થયો હતો. આ પરાજયને કારણે યૂરો-કપ જીતવાનું ઈંગ્લેન્ડનું સપનું ફરી રોળાઈ ગયું હતું. તેણે છેલ્લે છેક 1966માં આ ટ્રોફી જીતી હતી.
ગઈ કાલે વેમ્બલી સ્ટેડિયમમાં ફાઈનલ શરૂ થઈ એ પહેલાં જ અનેક ઉપદ્રવી ફૂટબોલ ચાહકોએ અનેક અવરોધોને તોડી નાખ્યા હતા અને ટિકિટ ખરીદ્યા વગર અંદર ઘૂસી ગયા હતા. એને કારણે સ્ટેડિયમની બહાર પણ ભારે અંધાધૂંધી મચી ગઈ હતી. ટિકિટ વગર ઘૂસી રહેલા લુખ્ખાઓને ભગાડવા માટે પોલીસોએ બળનો ઉપયોગ કરતાં એ લોકોએ સામનો કર્યો હતો એને કારણે પોલીસ અને લુખ્ખાઓ વચ્ચે હિંસાત્મક બનાવો બન્યા હતા. ત્યારબાદ ફાઈનલમાં ઈંગ્લેન્ડના પરાજય બાદ હજારો ફૂટબોલપ્રેમીઓ મધ્ય લંડનના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને હિંસાચાર શરૂ કર્યો હતો. લંડન મેટ્રોપોલિટનના રમખાણ-વિરોધી સજ્જ પોલીસ જવાનો પણ એમને ભગાડવા માટે પહોંચી ગયા હતા. અનેક ફૂટબોલપ્રેમીઓ લાઈટના થાંભલાઓ પર ચડી ગયા હતા, કેટલાક બસના છાપરા પર ચડી ગયા હતા અને ઘણા જણે રસ્તા પર આગ ચાંપવાના પ્રયાસો કર્યા હતા. પોલીસે કહ્યું છે કે એ લોકો ફૂટબોલપ્રેમીઓ નહોતા, પણ ઠગ-લુખ્ખા લોકો હતા.