‘ગુલાબી રંગના બોલથી રમવાનું જ નહીં, અમ્પાયરિંગ પણ પડકારરૂપ બને છે’

કોલકાતા – ભારત અને બાંગ્લાદેશની ક્રિકેટ ટીમો 22 નવેંબરના ગુરુવારથી અહીંના ઈડન ગાર્ડન્સમાં પહેલી જ વાર ગુલાબી રંગના બોલથી અને ડે-નાઈટ ટેસ્ટ મેચ રમશે.

આઈસીસી પેનલ પર રહી ચૂકેલા ભૂતપૂર્વ અમ્પાયર સાયમન ટોફેલનું કહેવું છે કે ગુલાબી રંગના બોલથી રમવાનું માત્ર બંને ટીમના ખેલાડીઓ માટે જ નહીં, પણ બે ફિલ્ડ અમ્પાયર માટે પણ પડકારરૂપ બની રહેશે.

ટોફેલ પાંચ વખત આઈસીસી ‘અમ્પાયર ઓફ ધ યર’ એવોર્ડ જીતી ચૂક્યા છે. એમનું માનવું છે કે ડે-નાઈટ ટેસ્ટ મેચમાં થર્ડ અમ્પાયરની ભૂમિકા વધી જશે.

ગુલાબી રંગના બોલથી રમવાનું બેટ્સમેનો અને બોલરો માટે પડકારરૂપ બનશે એવું અત્યાર સુધીમાં કહેવામાં આવ્યું છે, પણ આ પહેલી જ વાર ભૂતપૂર્વ અમ્પાયર ટોફેલે આ બોલ અમ્પાયરો માટે પણ ચેલેન્જિંગ સાબિત થશે એવું કહ્યું છે.

ટોફેલે એવી આશા વ્યક્ત કરી છે કે ફ્લડ લાઈટ્સમાં ગુલાબી બોલના રંગના પારખવા માટે અને એની આદત પાડવાનું અમ્પાયરો માટે મહત્ત્વનું છે અને એ માટે એમણે પ્રેક્ટિસ સત્રોમાં વધારે ભાગ લેવો જોઈએ.

ટોફેલનું કહેવું છે કે સાંજના સમયે ગુલાબી રંગનો બોલ ઝાંખો દેખાય છે. તેથી અમ્પાયરોએ એની મૂવમેન્ટ પર બહુ બારીકાઈથી ધ્યાન આપવું પડશે.

ઉલ્લેખનીય છે કે પિન્ક બોલથી સૌપ્રથમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી અને એમાં ટોફેલે અમ્પાયરિંગ કર્યું હતું.

ટોફેલનું કહેવું છે કે બોલને બરાબર જોઈ શકાય એ માટે આંખોમાં કૃત્રિમ લેન્સનો ઉપયોગ કરી શકાય.

ભારતની ફાસ્ટ બોલિંગ ત્રિપુટી – ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ


પિન્ક બોલ ટેસ્ટ માટે ગુલાબી બન્યું કોલકાતા…

ભારત અને બાંગ્લાદેશના ક્રિકેટરો 22 નવેંબર, ગુરુવારથી કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ગુલાબી રંગના બોલથી ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવાના છે. બંને ટીમ આ પહેલી જ વાર ગુલાબી બોલથી અને દિવસ-રાત્રી ટેસ્ટ મેચ રમશે. આ ટેસ્ટ મેચ રમીને અને એનું આયોજન કરીને ભારત ઈતિહાસ સર્જશે. આ ઐતિહાસિક અવસર માટે કોલકાતા શહેર અને ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ તથા અન્ય ભાગોને ગુલાબી રંગની લાઈટિંગ વડે સુશોભિત કરવામાં આવ્યા છે.

આ ટેસ્ટ મેચ માટે SG કંપનીના ગુલાબી બોલનો ઉપયોગ કરવામાં આવશે.

કોલકાતા શહેરમાં મુખ્ય માર્ગો પરની હોટેલ્સમાં ગુલાબી વાતાવરણ જોવા મળી રહ્યું છે

બેંગાલ ક્રિકેટ એસોસિએશન ઓફિસે પણ ગુલાબી છટા ધારણ કરી છે

વિશેષ ટેસ્ટ મેચ માટે ગુલાબી રંગનો મેસ્કોટ (પ્રતિક) બનાવવામાં આવ્યું છે અને તેને ‘પિંકુ’ નામ આપવામાં આવ્યું છે

ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમના સ્ટેન્ડમાં સુંદર ગુલાબી લાઈટ એરેન્જમેન્ટ કરવામાં આવી છે

સૌપ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ 2015ના નવેંબરમાં ઓસ્ટ્રેલિયાના એડીલેડ ઓવલ મેદાન પર રમાઈ હતી જેમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે મુકાબલો થયો હતો.

ડે-નાઈટ ટેસ્ટ મેચ રમનાર ભારત 9મો દેશ બનશે.

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ 12મી ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાશે.

મેચનો આરંભ દરરોજ બપોરે 1 વાગ્યે થશે અને રાતે 8 વાગ્યે સમાપ્ત થશે.

BCCIએ આ ટેસ્ટ મેચ માટે એસજી કંપનીને 72 પિન્ક બોલ પૂરા પાડવાનો ઓર્ડર આપ્યો છે.

ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમની બહાર ગુલાબી રંગનું મોટું બલૂન મૂકવામાં આવ્યું છે જેને મેચના અંત સુધી રાખવામાં આવશે.

કોલકાતામાં શહીદ મિનાર, કેટલાક કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન બગીચાઓને ગુલાબી રંગની રોશનીથી શણગારવામાં આવ્યા છે.

22 નવેંબરે ટોસ ઉછાળવામાં આવે એ પહેલાં ભારતીય લશ્કરના સૈનિકો હેલિકોપ્ટર દ્વારા ઈડન ગાર્ડન્સમાં આવશે અને વિરાટ કોહલી તથા બાંગ્લાદેશના કેપ્ટન મોમિનુલ હકને એક-એક ગુલાબી બોલ સુપરત કરશે.