ભારત-પાકિસ્તાન વચ્ચેના ડેવિસ કપ મુકાબલાનું આયોજન કઝાખસ્તાન કરશે

નૂર-સુલતાન (કઝાખસ્તાન) – ભારત અને પાકિસ્તાન ટેનિસની રમતમાં આમનેસામને થવાના છે અને આ મુકાબલો કોઈ એકબીજાના દેશમાં નહીં, પણ તટસ્થ ભૂમિ પર થવાનો છે.

ભારત-પાકિસ્તાન વચ્ચેનો ડેવિસ કપ જંગ આ જ મહિને કઝાખસ્તાનમાં યોજાશે.

તે મેચો 29-30 નવેંબરે કઝાખસ્તાનના નૂર-સુલતાન શહેરમાં રમાશે.

ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશનના સેક્રેટરી હિરનમોય ચેટરજીએ કહ્યું કે અમને ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશને ઈમેલ મોકલ્યો છે. એણે પાકિસ્તાનની અપીલને નકારી કાઢી છે. એટલે હવે ભારત-પાકિસ્તાન મુકાબલો 29-30 નવેંબરે કઝાખસ્તાનના નૂર-સુલતાનમાં રમાશે.

આ મુકાબલો મૂળ કાર્યક્રમ મુજબ ઈસ્લામાબાદમાં રમાવાનો હતો, પણ ભારત-પાકિસ્તાન વચ્ચે રાજકીય તંગદિલી ઊભી થઈ હોવાથી ત્યાં રમવા જવા ભારત તૈયાર નથી. ભારતીય ટેનિસ સંગઠને આ મેચ કોઈ તટસ્થ ભૂમિ પર યોજવાની આંતરરાષ્ટ્રીય સંગઠનને વિનંતી કરી હતી, જે સ્વીકારી લેવામાં આવી છે.

પાકિસ્તાને એવી માગણી કરી હતી કે મેચ એની ધરતી ઉપર જ યોજવામાં આવે, પરંતુ એની માગણી-વિનંતીને આંતરરાષ્ટ્રીય ફેડરેશને નકારી કાઢી છે.

આગામી મેચો નૂર-સુલતાનમાં ઈન્ડોર હાર્ડ કોર્ટ્સ પર રમાશે. ભારતીય ટીમના કોચ ઝીશન અલીના કહેવા મુજબ, તટસ્થ ભૂમિ પર મુકાબલો થશે એમાં ભારતને લાભ મળશે. જોકે ત્યાં સખત ઠંડી (સબ-ઝીરો તાપમાન) હોવાથી અને ઈન્ડોર્સમાં પણ ઠંડી લાગતી હોવાથી સમસ્યા થઈ શકે છે.

અમારા ખેલાડીઓ માટે પણ ઈન્ડોર્સમાં રમવાનો એક પડકાર બની રહેશે. જોકે હાર્ડ કોર્ટ સપાટી હોવાથી અમે ફાયદામાં છીએ.

ઝીશન અલીએ એમ પણ કહ્યું છે કે છેલ્લા બે અઠવાડિયામાં આપણા ખેલાડીઓએ સારો દેખાવ કર્યો છે એટલે મને આશા છે કે તેઓ મેચમાં સરસ પરફોર્મ કરશે. અમને પ્રજ્ઞેશ (ગુણેશ્વરન) અને દિવીજ (શરન)ની ખોટ સાલશે. વળી, રોહન (બોપન્ના) પણ ઈજાને કારણે જંગમાંથી હટી ગયો છે. પરંતુ આપણી પાસે બેકઅપ ખેલાડીઓ છે જેઓ સારા ફોર્મમાં છે.

આ છે ભારતીય ટીમઃ

સુમીત નાગલ, રામકુમાર રામનાથન, શશીકુમાર મુકુંદ, સાકેત માઈનેની, લિએન્ડર પેસ, જીવન નેડુનચેડિયન અને સિદ્ધાર્થ રાવત.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]