ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જશે? કેન્દ્ર-સરકાર નક્કી કરશે

મુંબઈઃ આવતા વર્ષે પાકિસ્તાનમાં રમાનાર 50-ઓવરોવાળી વન-ડે ઈન્ટરનેશનલ મેચોની એશિયા કપ સ્પર્ધામાં રમવા માટે ભારતીય ટીમે પાકિસ્તાન જશે, પરંતુ કેન્દ્ર સરકાર મંજૂરી આપે એ શરતે.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા 18 ઓક્ટોબરે તેની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવનાર છે. એ માટે તેણે સંલગ્ન રાજ્ય એસોસિએશનોને મોકલાવેલા એક સર્ક્યૂલરમાં ભારતીય ટીમના આવતા વર્ષના પ્રવાસો અને સીરિઝ, ટુર્નામેન્ટ્સની યાદી દર્શાવી છે. આ યાદીમાં પાકિસ્તાનમાં આવતા વર્ષના બીજા હાફમાં નિર્ધારિત એશિયા કપનો પણ સમાવેશ થાય છે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના પ્રમુખ છે.

ભારતે 2008ની સાલ પછી પોતાની ટીમને પાકિસ્તાનના પ્રવાસે મોકલી નથી. એ વર્ષે એશિયા કપમાં ભારતે ભાગ લીધો હતો. ત્યારબાદ આતંકવાદી હુમલાઓને કારણે ભારતે પડોશી દેશ સાથે દ્વિપક્ષી ક્રિકેટ સંબંધો સ્થગિત કરી દીધા છે.