મેણું ભાંગવા સિંધૂએ કમર કસી, વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી બતાવી

નવી દિલ્હીઃ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધૂએ કહ્યું છે કે, અનેક ટૂર્નામેન્ટોમાં ઉપવિજેતા રહ્યા બાદ લોકો એને ‘સિલ્વર સિંધૂ’ કહેવા લાગ્યા હતા. એ મેણું ભાંગવા જ પોતે ગયા વર્ષે વિશ્વ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતવા માટે બેકરાર બની હતી. 2016ની રિયો ઓલિમ્પિક્સમાં રજત ચંદ્રક જીતનાર સિંધૂએ કહ્યું કે, જ્યારે લોકો કહેતા હતા કે મને ‘ફાઈનલ ફોબિયા’ છે ત્યારે મને બહુ ખોટું લાગતું હતું. સિંધૂએ કહ્યું કે, વિશ્વ ચેમ્પિયનશિપમાં એ મારી ત્રીજી ફાઈનલ હતી. અગાઉ મેં બે કાંસ્ય પદક જીત્યા હતા. મેં નક્કી કર્યું કે, મારે ખિતાબ તો જીતવો જ છે. હું ખિતાબ જીતવા માટે ઉત્સુક હતી. હું નહોતી ઈચ્છતી કે લોકો મને કહે કે હું ફરીથી ફાઈનલમાં હારી ગઈ.

ભારતીય મહિલા ક્રિકેટરો – સ્મૃતિ મંધાના અને જેમિમા રોડ્રિગેજ સાથે ‘ડબલ ટ્રબલ’ કાર્યક્રમમાં સિંધૂએ કહ્યું કે, મેં નિશ્ચય કર્યો કે ભલે કંઈપણ થાય, હું મારો 100% પર્ફોર્મન્સ આપીશ. કેટલીયવાર લોકો મને ‘સિલ્વર સિંધુ’ કહેતા હતા. મને એ વાત મનમાં ખટકતી.

સિંધૂએ વિશ્વ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જાપાનની નોજુમી ઓકુહારાને એકતરફી મુકાબલામાં 21-7, 21-7 થી હરાવી હતી.