કપિલ દેવે બે દિગ્ગજ ક્રિકેટરોને જોઈને પોતાનો લુક બદલ્યો

મુંબઈઃ 1983માં પહેલી વાર ક્રિકેટ વર્લ્ડ કપ જીતવામાં ભારતીય ટીમની દોરવણી કરનાર કપિલ દેવે એમનો લુક સદંતર બદલીને એમના પ્રશંસકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. કપિલે એમના માથાના વાળ સાવ ઉતરાવી દીધા છે અને ટકલુ થઈ ગયા છે. એની સાથે, એમણે દાઢી વધારી છે.

કપિલને એમનો લુક બદલવાની પ્રેરણા કેવી રીતે મળી એવો સવાલ ઘણા પ્રશંસકોને સતાવતો હતો. આખરે કપિલે પોતે જ એનો ખુલાસો કર્યો છે.

એમણે કહ્યું છે કે આ લુક અપનાવવા માટે એમણે બે ક્રિકેટરોના લુકમાંથી પ્રેરણા મેળવી છે, જે બંનેને એ પોતાના હિરો માને છે. એક – સર વિવિયન રિચર્ડ્સ અને બીજો – મહેન્દ્ર સિંહ ધોની. ધોનીના નેતૃત્ત્વમાં ભારતે 2011માં બીજી વાર વર્લ્ડ કપ સ્પર્ધા જીતી હતી.

કપિલ દેવે એક વિડિયોમાં જણાવ્યું છે જેને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે તેના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યો છે.

એ વિડિયોમાં કપિલ જણાવે છે કે, ‘મેં સર વિવિયન રિચર્ડ્સને તમારા ઈન્સ્ટાગ્રામ પર જોયા હતા. એ મારા હિરો રહ્યા છે, તો મને થયું કે શા માટે એમના જેવો લુક હું ન અપનાવું? હું મારા હિરોને અનુસરણ કરીશ. મેં ધોનીને પણ જોયો હતો અને એ પણ મારો હિરો છે. 2011ની વર્લ્ડ કપ સ્પર્ધામાં વિજેતાપદ હાંસલ કર્યા બાદ એણે માથાના વાળ કપાવીને ટકલું કરાવ્યું હતું. એટલે મેં વિચાર્યું કે હવે મને પણ એવું કરવાની તક મળી છે અને મેં એમ કર્યું.’

કપિલના આ નિવેદન બાદ વિવિયન રિચર્ડ્સે પ્રતિસાદમાં જણાવ્યું: ‘હાહાહા…મારા મિત્ર, તેં બરાબર પ્રેરણા લીધી.’

ઉલ્લેખનીય છે કે, 1983ની વર્લ્ડ કપ સ્પર્ધાની ફાઈનલ મેચમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં કેપ્ટન કપિલ દેવે પાછળની બાજુએ દોડીને ઉત્કૃષ્ટ રીતે રિચર્ડ્સનો કેચ પકડ્યો હતો જે વેસ્ટ ઈન્ડિઝના પરાજય અને ભારતના ઐતિહાસિક વિજયમાં મુખ્ય ભૂમિકા ભજવી ગયો હતો.

હાલ કોરોના વાઈરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ છે. આમ જનતાની સાથે સેલિબ્રિટી ક્રિકેટરો પણ પોતપોતાના ઘરમાં કેદ છે અને પરિવારજનો સાથે સમય વિતાવે છે. લોકડાઉનને કારણે દેશભરમાં હેર કટિંગ સલૂન અને પાર્લર બંધ છે. એવામાં માથાના વાળ વધવાની સમસ્યા ઘણા પુરુષોને સતાવી રહી છે. આવી પરિસ્થિતિમાં પણ કપિલ દેવે પોતાનો લુક બદલ્યો છે. એમણે રિચર્ડ્સની જેમ આંખો પર કાળા ચશ્મા અને કાળા રંગના બ્લેઝર સાથે તસવીરો પણ પડાવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]