નવી દિલ્હીઃ ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે રવિવારે ઇન્ડોનેશિયાને 3-0થી હરાવીને પહેલી વાર થોમસ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે. થોમસ કપ કેમ્પેનમાં સૌથી સારો દેખાવ કરવાવાળાઓમાંના એક કિદાંબી શ્રીકાંત ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતની અસાધારણ જીત મેળવ્યા પછી પોતાના પર્ફોર્મન્સથી ખૂબ ઉત્સાહિત છે. આ જીતને કેરિયરની સૌથી મોટી સફળતામાંની એક જણાવતાં 29 વર્ષીય શ્રીકાંતે કહ્યું હતું કે ટીમ સ્પર્ધાની આ જીત એ ભારતીય બેડમિન્ટન માટેની એક મોટી ક્ષણ છે, જે અત્યાર સુધી નથી આવી.
હું આ જીતને મારી સૌથી મોટી જીતમાંની એક માનું છું અને મને ખુશી છે કે બધા બહુ સરસ રમ્યા. મને નથી લાગતું કે આ કોઈ એક વ્યક્તિની જીત છે. આ બધા 10 ખેલાડીઓની જીત છે, એમ શ્રીકાંતે ભારતની જીત પછી એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું.
My thoughts on the #ThomasCup2022 victory .
Words fail me but I tried . #Jaihind pic.twitter.com/dgMUPWFuxJ
— Kidambi Srikanth (@srikidambi) May 16, 2022
આ ટુર્નામેન્ટને મામલે અને મારા સૌથી શ્રેષ્ઠ દેખાવ મામલે સૌથી મોટી જીત છે, એમ તેણે કહ્યું હતું. આ કોમ્પિટિશનમાં અન્ડરડોગ્સ રહેલી ભારતીય ટીમે ક્વાર્ટર ફાઇનલમાં મલેશિયાની ટીમને હરાવી હતી. એ પછી ડેન્માર્કને સેમી ફાઇનલમાં હરાવી હતી અને ત્યાર બાદ ફાઇનલમાં 14 વારની ચેમ્પિયન ઇન્ડોનેશિયાની ટીમને હરાવી હતી.
વ્યક્તિગત સ્પર્ધા એ ટીમ સ્પર્ધાથી અલગ હોય છે ને અમને ટીમ સ્પર્ધા રમવા બહુ ઓછી મળે છે. વળી, થોમસ કપની ફાઇનલ એ સૌથી મોટી ટીમ સ્પર્ધા છે, જેથી અમે સૌથી મોટી ટીમ સ્પર્ધા જીત્યા છે, એમ તેણે કહ્યું હતું.