શોએબ અખ્તર બોલને થ્રો કરતો હતોઃ સેહવાગ

મુંબઈઃ ભારતના ભૂતપૂર્વ બેટર વિરેન્દર સેહવાગે એવો વ્યંગાત્મક ટોણો માર્યો છે કે પાકિસ્તાનનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર બોલિંગ કરતી વખતે બોલને અવારનવાર થ્રો કરતો હતો. ખતરનાક બોલર તરીકે જાણીતો અખ્તર અવારનવાર તેની કોણીને ઝટકો આપતો હતો.

સ્પોર્ટ્સ18 ચેનલના હોમ ઓફ હીરોઝ કાર્યક્રમમાં બોલતી વખતે સેહવાગે કહ્યું હતું કે, ‘અખ્તરની બોલિંગ એક્શનને કારણે એનો સામનો કરવાનું મને બહુ પડકારજનક લાગતું હતું. અખ્તરને ખબર હતી કે એ તેની કોણીને અમુક ઝટકો આપતો હતો. એને એ પણ ખબર હતી કે પોતે ચકિંગ કરે છે. અન્યથા આઈસીસી એની પર પ્રતિબંધ શું કામ લગાવે? બ્રેટ લી (ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર)નો બોલિંગવાળો હાથ સીધો જ નીચે આવતો હતો એટલે એ બોલ કઈ તરફ ફેંકશે એ સમજવું આસાન રહેતું હતું, પરંતુ શોએબ વિશે તમે જરાય કળી ન શકો કે એનો હાથ અને બોલ કઈ બાજુથી નીચે આવશે.’ સેહવાગે કહ્યું કે, ‘ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર શેન બોન્ડનો સામનો કરવું પણ પણ મને બહુ કઠિન લાગતું હતું. એ ઓફ્ફ સ્ટમ્પની બહાર ડિલિવરી ફેંકતો તોય બોલ સ્વિંગ થઈને તમારા શરીર પર આવી પડે. બ્રેટ લી અને શોએબ અખ્તર મેં મારી કારકિર્દીમાં સામનો કરેલા સૌથી ફાસ્ટ બોલરો હતા.’

સેહવાગે એની કારકિર્દી દરમિયાન શોએબ અને પાકિસ્તાન ટીમનો સામનો કરીને 90થી વધુની સરેરાશ સાથે રન ફટકાર્યા હતા જેમાં એક સદી, બે ડબલ સદી અને એક ટ્રિપલ સદીનો સમાવેશ થાય છે.