કોહલી-રોહિત વચ્ચે અણબનાવ હોવાની શંકા છેઃ અઝહરુદ્દીન

હૈદરાબાદઃ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનું માનવું છે કે દક્ષિણ આફ્રિકા સામેની આગામી ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્માની ગેરહાજરી અને એ જ ટીમ સામેની વન-ડે સિરીઝમાં વિરાટ કોહલીના ન રમવાથી આ બંને ખેલાડી વચ્ચે કોઈક પ્રકારનો અણબનાવ ચાલતો હોય એવું બની શકે છે. ક્રિકેટરમાંથી નેતા બનેલા અઝહરુદ્દીને કહ્યું છે કે કોહલીએ બોર્ડને જાણ કરી છે કે પોતે દક્ષિણ આફ્રિકા સામેની ODI સિરીઝમાં નહીં રમે જ્યારે રોહિત શર્મા ટેસ્ટ શ્રેણીમાં રમવાનો નથી. ક્રિકેટના વ્યસ્ત કાર્યક્રમમાંથી બ્રેક લેવામાં કંઈ ખોટું નથી, પરંતુ એનું ટાઈમિંગ વધારે સારું હોવું જોઈએ. આને કારણે તો એવી અટકળોને પુષ્ટિ મળે છે કે બંને ખેલાડી વચ્ચે કોઈક અણબનાવ ચાલે છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, કોહલીએ ક્રિકેટ બોર્ડને કહ્યું છે કે પોતે એની દીકરી વામિકાનાં પ્રથમ જન્મદિવસની ઉજવણી કરવા માગતો હોવાથી ક્રિકેટમાંથી બ્રેક લેવા માગે છે. વામિકાનો જન્મ ગયા વર્ષની 11 જાન્યુઆરીએ થયો હતો અને કોહલી દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ પૂરી થયા બાદ એના પરિવાર સાથે રજા પર જવા માગે છે. ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી અને સિરીઝની આખરી ટેસ્ટ મેચ 11 જાન્યુઆરીએ શરૂ થશે અને 19 જાન્યુઆરીથી ત્રણ મેચોની વન-ડે સિરીઝ શરૂ થશે. ક્રિકેટ બોર્ડે વન-ડે સિરીઝ માટેની ટીમ હજી જાહેર કરી નથી. જોકે એના કેપ્ટન તરીકે રોહિત શર્માને નિયુક્ત કરી દીધો છે. ક્રિકેટ બોર્ડે રોહિતને ટેસ્ટ ટીમનો વાઈસ-કેપ્ટન પણ ઘોષિત કરી દીધો હતો, પરંતુ ડાબી સાથળનો સ્નાયૂ ખેંચાઈ જવાથી એ ટેસ્ટ શ્રેણીમાં રમવાનો નથી. ગયા વર્ષે વામિકાનો જન્મ થયો હતો ત્યારે કોહલીએ ઓસ્ટ્રેલિયામાં પહેલી ટેસ્ટ મેચમાં રમ્યા બાદ પિતૃત્વ રજા (પેટરનિટી લીવ) લીધી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]