ICC મહિલા વિશ્વ-કપમાં ભારત છઠ્ઠી માર્ચે પાકિસ્તાન સામે ટકરાશે

તોરંગાઃ ન્યુ ઝીલેન્ડમાં ICC  મહિલા વિશ્વ કપ આવતા વર્ષે 2022માં રમાવાનો છે. ભારત તોરંગામાં ICC મહિલા ક્રિકેટ વિશ્વ કપ-2022નો પ્રારંભ છઠ્ઠી માર્ચે પાકિસ્તાન સાથે મેચ રમીને કરશે. જોકે શોપીસ ઇવેન્ટ ચોથી માર્ચ, 2022એ તોરંગાના બે ઓવલમાં શરૂ થશે, જેમાં યજમાન ન્યુ ઝીલેન્ડ વેસ્ટ ઇન્ડિઝ સામે રમશે, એ પછી આગામી દિવસે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા હેમિલ્ટનના સેડાન પાર્કમાં ટકરાશે.

ICC મહિલા વિશ્વ કપમાં 31 દિવસોમાં કુલ 31 મેચો રમાશે, જેમાં આઠ ટીમો વિશ્વ કપ જીતવા એકમેક સામે મેચો રમશે. ICCના જણાવ્યાનુસાર ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ભારત ICC મહિલા ચેમ્પિયનશિપ 2017-20માં પોતાની સ્થિતિને આધારે વિશ્વ કપમાં ક્વોલિફાઇ કર્યું છે, જ્યારે ન્યુ ઝીલેન્ડે યજમાનને ધોરણેક્વોલિફાઇ કર્યું છે.

આ ICC મહિલા વિશ્વ કપમાં બધા આઠ દેશોની ટીમો એકબીજા સામે મેચો રમશે, એ પછી ટોચની ચાર ટીમો સેમી ફાઇનલ માટે ક્વોલિફાઇ કરશે. ICC મહિલા વિશ્વ કપની પહેલી સેમી ફાઇનલ 30 માર્ચે વેલિંગ્ટનના ધ બેઝિન રિઝર્વમાં રમાશે, જ્યારે બીજી સેમી ફાઇનલ હેગલે ઓવલમાં 31 માર્ચે રમાશે. ICC મહિલા વિશ્વ કપ ટુર્નામેન્ટની ફાઇનલ ત્રીજી એપ્રિલે રમાશે. ICCના જણાવ્યાનુસાર સેમી ફાઇનલ અને ફાઇનલ –બંને મેચો માટે રિઝર્વ દિવસ રાખવામાં આવ્યો છે.