પ્રતીક્ષાનો અંતઃ 3 વર્ષ 3 મહિના પછી વિરાટે ફટકારી ટેસ્ટ સદી

અમદાવાદઃ અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે હાજર હજારોની સંખ્યામાં દર્શકોને ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ આજે ખુશ કરી દીધા. અહીં ઓસ્ટ્રેલિયા સામે રમાતી ચોથી અને વર્તમાન શ્રેણીની આખરી ટેસ્ટ મેચના આજે ચોથા દિવસે કોહલીએ ભારતના પહેલા દાવમાં રમતાં પોતાની ટેસ્ટ કારકિર્દીની 28મી અને કુલ 75મી આંતરરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. આજે રવિવારનો દિવસ હોઈ કોહલીની સદી જોવા માટે વધારે લોકો સ્ટેડિયમમાં મેચ જોવા આવ્યા હતા અને કોહલીએ એમને નિરાશ થવા ન દીધા. લંચ બાદના સત્રમાં એણે પોતાના 100 રન પૂરા કર્યા હતા. એ માટે તે 241 બોલ રમ્યો હતો અને પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. કોહલી ગઈ કાલે ત્રીજા દિવસની રમતને અંતે 59 રન સાથે દાવમાં હતો.

કોહલી 3 વર્ષ અને 3 મહિનાના સમયગાળા બાદ પોતાની આ પહેલી ટેસ્ટ સદી ફટકારવામાં સફળ થયો છે. છેલ્લે એણે 2019ની 22 નવેમ્બરે ટેસ્ટ સદી ફટકારી હતી. હજારો દર્શકોએ ઊભા થઈને કોહલીની આ સિદ્ધિનું અભિવાદન કર્યું હતું. કોહલીએ બેટ ઊંચું કરીને અભિવાદનનો સ્વીકાર કર્યો હતો. સામે છેડે અક્ષર પટેલ તેને સાથ આપી રહ્યો હતો અને તેણે પણ કોહલીને ભેટીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. કોહલીએ 41 ટેસ્ટ દાવ બાદ ટેસ્ટ ક્રિકેટમાં ફરી સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા સામે કોહલીની આ 16મી સદી છે. આ ટીમ સામે સચીન તેંડુલકરે સૌથી વધારે, 20 સદી ફટકારી હતી.

ઓસ્ટ્રેલિયાનો પહેલો દાવ 480 રનમાં પૂરો થયો હતો. બપોરે સવા બે વાગ્યે ટી-બ્રેક સમયે ભારતે તેના દાવમાં પાંચ વિકેટે 472 રન કરી લીધા હતા. કોહલી 135 રન અને અક્ષર પટેલ 38 રન સાથે દાવમાં હતો. બંને વચ્ચે 79 રનની ભાગીદારી થઈ ચૂકી હતી. ગઈ કાલનો નોટઆઉટ બેટ્સમેન રવિન્દ્ર જાડેજા આજે વ્યક્તિગત 28 રન કરીને અને 308 રનના સ્કોર પર ચોથી વિકેટના રૂપમાં આઉટ થયો હતો. ત્યારબાદ વિકેટકીપર શ્રીકાર ભરતે કોહલીને સારો એવો સાથ આપ્યો હતો. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 84 રનની ભાગીદારી થઈ હતી. આખરે ભરત વ્યક્તિગત 44 રન કરીને આઉટ થયો હતો. એણે 88 બોલનો સામનો કર્યો હતો અને બે ચોગ્ગા તથા 3 છગ્ગા ફટકાર્યા હતા. ભારત શ્રેણીમાં 2-1થી અપરાજિત સરસાઈમાં છે.