મુંબઈઃ કોરોના રોગચાળા વચ્ચે વિશ્વની મશહૂર ક્રિકેટ લીગ IPLની 14મી સીઝનનો પ્રારંભ થવાનો છે. પહેલી મેચ પાંચ વારની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની વિરુદ્ધ રમાશે. જોકે કોરોના રોગચાળાને લીધે IPLની 14મી સીઝનમાં ઓપનિંગ સેરેમની નહીં થાય. મુંબઈની કમાન રોહિત શર્માના હાથોમાં છે, જ્યારે બેંગલોરની કપ્તાની ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સંભાળશે. BCCIને આશા છે કે એ ગયા વર્ષની જેમ આ વર્ષે કોઈ પણ મુશ્કેલી વગર IPLનું આયોજન કરવામાં સફળ રહેશે. જોકે કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખતાં BCCIએ સ્ટેડિયમમાં પ્રેક્ષકોને જવાની મંજૂરી નથી આપી. એની સાથે બોર્ડે બાયો બબલની સાથે ક્રિકેટરો અને સ્ટાફને લઈને સખત કોવિડ પ્રોટોકોલ નક્કી કર્યા છે. 50 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં આશરે 10,000 કોરોનાના ટેસ્ટ થાય એવી શક્યતા છે.
મુંબઈ અને ચેન્નઈમાં પહેલા તબક્કાની મેચો
આ વર્ષે BCCIએ IPLનું આયોજન છ શહેરો- મુંબઈ અમદાવાદ, કોલકાતા, ચેન્નઈ, દિલ્હી અને બેંગલુરુમાં કરવાનો નિર્ણય લીધો છે. ગઈ સીઝનમાં કોઈ પણ ટીમને સ્થાનિક મેદાનનો લાભ નહોતો મળ્યો.
આ વખતે IPL લીગના પહેલા તબક્કામાં 20 મેચ ચેન્નઈ અને મુંબઈમાં થશે, જ્યારે આગામી તબક્કાની મેચો અમદાવાદ અને દિલ્હીમાં થશે. અહીં 16 મેચ રમાશે. ત્યાર બાદ લીગની છેલ્લી 20 મેચો બેંગલુરુ અને કોલકાતામાં થશે. પ્લેઓફ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે.
જોકે IPL લીગના પ્રારંભ પહેલાં ત્રણ ક્રિકેટરો દેવદત્ત પડિકલ, નીતીશ રાણે અને ડેનિયલ સેમના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ચિંતા વધી છે. જોકે BCCI સ્થિતિ પર કાબૂ મેળવવામાં સફળ રહી છે.