આઈપીએલને લંડનમાં યોજવા મેયર સાદિક ખાન ઉત્સૂક

લંડનઃ શહેરના મેયરપદની ચૂંટણી આ વર્ષની 6 મેએ નિર્ધારિત છે. એ ફરી જીતીને પોતાનું મેયરપદ જાળવી રાખવા સાદિક ખાન મક્કમ બન્યા છે. એ માટે તેઓ ભારતીય-બ્રિટિશ મતદારોને રિઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એમણે કહ્યું છે કે કોરોનાવાઈરસ રોગચાળાનો એકવાર અંત આવી જાય તે પછી ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધાની ગ્રુપ મેચોનું લંડનમાં આયોજન કરાય એ માટે તો ભારતના ક્રિકેટ સત્તાવાળાઓ સાથે ચર્ચા કરશે. સાદિક ખાનની ઈચ્છા છે કે આઈપીએલની ગ્રુપ મેચો લંડન શહેરના કિઆ ઓવલ અને લોર્ડ્સ મેદાન પર યોજાય. કિંગ્સ્ટોનીયન ક્રિકેટ ક્લબ ખાતે તાલીમ લઈ રહેલા યુવાનોને સંબોધિત કરતાં સાદિક ખાને કહ્યું હતું કે હું જાણું છું કે વિરાટ કોહલી, રોહિત શર્મા, રિષભ પંત જેવા મોટા ભારતીય તથા બીજા દેશોના ધરખમ ક્રિકેટરોને લંડનમાં રમતા જોવાનું લંડનવાસીઓને જરૂર ગમશે. આઈપીએલ સ્પર્ધાને લંડનમાં લાવવાથી દરેક દેશ માટે જાણે હોમ ક્રાઉડ મળ્યાનો આનંદ થશે એટલું જ નહીં, પણ એનાથી ટૂરિઝમને વેગ મળશે, મોટી આવક પણ થશે.

કહેવાય છે કે ઈંગ્લેન્ડનું ક્રિકેટ બોર્ડ (ઈસીબી) આવી કોઈ હિલચાલને ટેકો આપશે. સરે કાઉન્ટી ક્રિકેટ ક્લબના ચેરમેન રિચર્ડ થોમ્પસનને પણ આ વિચાર ગમ્યો છે. લંડન ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ કપ જેવી ક્રિકેટ સ્પર્ધાઓનું આયોજન કરી ચૂક્યું છે અને તેમને એવી આશા છે કે કોરોનાવાઈરસને કારણે જે આર્થિક ખોટ ગઈ છે એને આઈપીએલનું આયોજન ભરપાઈ કરી શકે એમ છે, કારણ કે તે સ્પર્ધા લાખો લોકોને આકર્ષિત કરવા સક્ષમ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]