સ્લો ઓવર-રેટ બદલ ધોનીને રૂ.12 લાખનો દંડ

મુંબઈઃ ગઈ કાલે અહીંના વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ ટીમ સામે રમાઈ ગયેલી આઈપીએલ-14ની મેચમાં પોતાની ટીમનો ઓવર-રેટ ધીમો રહી જવા બદલ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને રૂ. 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્રણ વખત આઈપીએલ સ્પર્ધા જીતનાર ચેન્નાઈ ટીમ ગઈ કાલે દિલ્હી સામે 7-વિકેટથી હારી ગઈ હતી.

આઈપીએલની આચારસંહિતા અંતર્ગત આ મોસમમાં મિનિમમ ઓવર-રેટ ગુનાઓના મામલે ચેન્નાઈ ટીમનો આ પહેલો ગુનો બન્યો છે. ચેન્નાઈ ટીમે પોતાના હિસ્સાની 20 ઓવરમાં 7 વિકેટે 188 રન કર્યા હતા. તેના જવાબમાં પહેલી જ વાર રિષભ પંત સુકાનીપદ હેઠળ રમેલી દિલ્હી ટીમે 18.4 ઓવરમાં 3 વિકેટે 193 રન કરીને મેચ જીતી લીધી હતી. ‘મેન ઓફ ધ મેચ’ શિખર ધવને 54 બોલમાં 85 અને પૃથ્વી શૉએ 38 બોલમાં 72 રન કર્યા હતા. બંનેએ પહેલી વિકેટ માટે 138 રનની ભાગીદારી કરી હતી. પંત 15 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એણે બાઉન્ડરીનો વિનિંગ શોટ ફટકાર્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સના દાવમાં સુરેશ રૈનાએ 54 રન કર્યા હતા. ધોની ઝીરો પર આઉટ થયો હતો.

(તસવીર સૌજન્યઃ https://www.iplt20.com/)