મેલબર્નઃ આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ-2022માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર-12 રાઉન્ડમાં અહીં એમસીજી મેદાન પર ગ્રુપ-2 મુકાબલો થવાનો છે. બંને ટીમ વચ્ચેની કોઈ પણ ફોર્મેટની મેચ કાયમ વિશેષ રોમાંચ જગાડતી હોય છે. આજની મેચમાં વરસાદ વિલન બને એવી શક્યતા છે. ભારત છેલ્લે 2013માં આઈસીસી યોજિત ટુર્નામેન્ટ જીત્યું હતું (ચેમ્પિયન્સ ટ્રોફી). આમ, વિજેતાપદના 9-વર્ષના દુકાળનો રોહિત શર્મા અને તેના સાથીઓ અંત લાવે એ માટે ભારતનાં ક્રિકેટપ્રેમીઓ ઉત્સુક છે. પાકિસ્તાનનો ડાબોડી બેટર જમણા ઘૂંટણમાં ઈજા થવાથી આજની મેચમાં રમવાનો નથી. 2017ની ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં ઝમાને ભારત સામે 106 બોલમાં 114 રન કર્યા હતા. એના તે દાવને કારણે પાકિસ્તાન ભારતને હરાવી ચેમ્પિયન બન્યું હતું.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘પાકિસ્તાન ટીમ સાથે છેલ્લા અનેક વર્ષોથી અમને બહુ ઓછું રમવા મળે છે એટલે એના ખેલાડીઓની માનસિકતાનો અંદાજ લગાવવો અમારા માટે મુશ્કેલ હોય છે. સદ્દનસીબે હાલમાં જ અમને એશિયા કપમાં એમની સાથે બે વાર રમવાનું મળ્યું હતું. હું એમ નહીં કહું કે અમારી પર પ્રેશર છે, એ તો સતત રહેતું જ હોય છે. એમાં કોઈ ફેરફાર થવાનો નથી. હું આજની મેચના પડકારને ઝીલી લેવાનું પસંદ કરું છું. પાકિસ્તાન ખૂબ જ ચેલેન્જિંગ ટીમ છે. હું 2007ની T20 વર્લ્ડ કપથી લઈને અત્યાર સુધીમાં પાકિસ્તાનની ઘણી ટીમો સામે રમ્યો છું, એ બધી જ ટીમો સારું રમી છે.’
