સ્કોટલેન્ડને કચડીને ભારતે +1.619નો સર્વશ્રેષ્ઠ-નેટ-રનરેટ હાંસલ કર્યો

દુબઈઃ વિરાટ કોહલી અને તેના સાથીઓએ આજે અહીં ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ-2021માં સ્કોટલેન્ડને 8-વિકેટથી કચડી નાખીને મહત્ત્વની જીત હાંસલ કરી એટલું જ નહીં, પરંતુ ગ્રુપ-2માં બધી છ ટીમોમાં શ્રેષ્ઠ નેટ રનરેટ – +1.619, પ્રાપ્ત કર્યો છે, જે આજની મેચ પૂર્વે માત્ર +0.073 હતો. કોહલીએ ટોસ જીતીને સ્કોટલેન્ડને પહેલ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતના બોલરોએ સ્કોટલેન્ડને 17.4 ઓવરમાં માત્ર 85 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ભારતે સેમી ફાઈનલમાં પ્રવેશવાની પોતાની તક ઉજળી બનાવવા માટે નેટ રનરેટમાં અફઘાનિસ્તાન કરતાં આગળ નીકળવા માટે 86 રનનો જીતનો ટાર્ગેટ માત્ર 43 બોલમાં (7.1 ઓવરમાં) હાંસલ કરવાનો હતો. ભારતે માત્ર 6.3 ઓવરમાં જ એ કામ પતાવી દીધું. ઓપનર કે.એલ. રાહુલે 19 બોલમાં 50 રન ફટકારી દીધા હતા, જેમાં 6 ચોગ્ગા, 3 છગ્ગા સામેલ છે. અન્ય ઓપનર રોહિત શર્માએ 30 રન કર્યા. બંનેએ પાંચ ઓવરમાં 70 રન બનાવ્યા હતા. શર્માની વિકેટ પડતાં કોહલી બેટિંગ કરવા આવ્યો હતો અને રાહુલની વિકેટ બાદ સૂર્યકુમાર યાદવ આવ્યો હતો. યાદવે સિક્સર ફટકારીને મેચનો અંત લાવી દીધો હતો. આજની મેચના પરિણામ સાથે કેપ્ટન વિરાટ કોહલીને એના 33મા જન્મદિવસે જીતની શાનદાર ગિફ્ટ મળી છે. ભારતીય ટીમે બેસ્ટ નેટ રનરેટનું એક મિશન-લક્ષ્ય હાંસલ કરી લીધું છે. હવે 8મી નવેમ્બરે આખરી ગ્રુપ મેચમાં નામીબિયાને હરાવીને સેમી ફાઈનલમાં પ્રવેશ કરવાનું બીજું મિશન સિદ્ધ કરવાનું છે. ગ્રુપ-2માં પાકિસ્તાન તેની ચારેય મેચ જીતીને સૌથી વધુ, 8 પોઈન્ટ મેળવીને પ્રથમ સ્થાને છે. બીજા સ્થાને ન્યૂઝીલેન્ડ છે (6 પોઈન્ટ, +1.277 નેટ રનરેટ) અને ત્રીજા સ્થાને ભારત છે (હાલ 4 પોઈન્ટ, +1.619 નેટ રનરેટ). બધી ટીમ તેમની આખરી મેચ રમશે. ન્યૂઝીલેન્ડ-અફઘાનિસ્તાન, પાકિસ્તાન-સ્કોટલેન્ડ અને ભારત-નામીબિયા.

આજની મેચને અંતે રવિન્દ્ર જાડેજાને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો. તેણે 4 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પણ 3 ઓવરમાં 15 રન આપીને 3, જસપ્રીત બુમરાહે બે અને અશ્વિને એક વિકેટ લીધી હતી.