અફઘાનિસ્તાનને હરાવી ન્યૂઝીલેન્ડ T20WCની SFમાં; ભારત આઉટ

દુબઈઃ કેન વિલિયમસનની આગેવાની હેઠળની ન્યૂઝીલેન્ડ ટીમે આજે અહીં પોતાની આખરી ગ્રુપ મેચમાં અફઘાનિસ્તાનને 8-વિકેટથી પરાજય આપીને ગ્રુપ-2માંથી T20 વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. બંને ગ્રુપમાંથી ટોચની બે ટીમ સેમી ફાઈનલમાં પ્રવેશી છે. ગ્રુ-2માંથી અન્ય ટીમ છે – પાકિસ્તાન. આ ચાર ટીમ સેમી ફાઈનલમાં પહોંચી ગઈ છે. ગ્રુપ-1માંથી ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા તથા ગ્રુપ-2માંથી પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ.

જો આજે અફઘાનિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવી દીધું હોત તો આવતીકાલે ભારત-નામીબિયા વચ્ચેની આખરી ગ્રુપ મેચ રોમાંચક બની જાત. પરંતુ હવે એ માત્ર એક ઔપચારિક્તા સમાન બની રહેશે. આજની મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન મોહમ્મદ નબીએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. તેની ટીમ એકમાત્ર નજીબુલ્લાહ ઝાદરાનના 73 રનના દેખાવને બાદ કરતાં 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 124 રન જ કરી શકી હતી. તેના જવાબમાં ન્યૂઝીલેન્ડે કેપ્ટન વિલિયમસનના અણનમ 40, ડેવોન કોન્વેના અણનમ 36, માર્ટિન ગપ્ટીલના 28, ડેરીલ મિચેલના 17 રનની મદદથી 18.1 ઓવરમાં 2 વિકેટના ભોગે 125 રન કરીને મેચ જીતી લીધી હતી. અફઘાનિસ્તાનની 17 રનમાં 3 વિકેટ લેનાર ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો.