T20 WC: હરભજન સિંહનો મોહમ્મદ આમિરને જડબાતોડ જવાબ

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાને સૌપ્રથમ વાર વર્લ્ડ કપના ઇતિહાસમાં પાકિસ્તાન સામે હારનો સામનો પડ્યો હતો. એ પછી પાકિસ્તાનના કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરો એલફેલ કોમેન્ટ કરી રહ્યા છે. તેઓ ભારતીય ક્રિકેટરોને ટ્રોલ કરી રહ્યા છે. ભારતના ઓફ-સ્પિનર હરભજન સિંહ અને પાકિસ્તાનના ઝડપી બોલર મોહમ્મદ આમિર પાકિસ્તાનની જીતથી ટ્વિટર વોર ખેલાયું હતું.

મોહમ્મદ આમિરે ટ્વિટર પર કહ્યું હતું કે હું પૂછવા માગતો હતો કે હરભજન પાજી, તમે તમારું ટીવી તો નથી તોડ્યુંને?  છેવટે તો આ ક્રિકેટ છે. હરભજને આનો જવાબ આપતાં કહ્યું કે હવે તું પણ બોલીશ, મોહમ્મદ આમિર. એ છની લેન્ડિંગ તારા ઘરે તો નહોતી થઈ. આ ટ્વીટ સાથે તેમણે પાકિસ્તાનની છેલ્લી ઓવરમાં છક્કો મારવાનો વિડિયો શેર કર્યો હતો.

હરભજનના જવાબી હુમલામાં આમિરે ભારત-પાકિસ્તાનની વચ્ચે રમાયેલી ટેસ્ટનો એક વિડિયો શેર કરતાં લખ્યું હતું કે હું થોડો વ્યસ્ત હતો હરભજન સિંહ, તમારી બોલિંગ જોઈ રહ્યો હતો. જ્યારે લાલા (શાહિદ આફ્રિદી)એ તમારા ચાર બોલમાં ચાર છક્કા માર્યા હતા. ક્રિકેટ છે લાગી શકે છે, પણ ટેસ્ટ ક્રિકેટમાં આ થોડું વધુપડતું છે.

જ્યારે આમિરે હદ પાર કરી તો હરભજને પણ આમિરને મેચ ફિક્સિંગની વાત યાદ કરાવી હતી. ભજ્જીએ ટ્વીટ કર્યું હતું કે લોર્ડ્સમાં નો બોલ કેવી રીતે થઈ ગયો?  કોણે લીધા, કોણે દીધા?  ટેસ્ટ ક્રિકેટમાં નો બોલ કેવી રીતે પડી ગયો? આ સરસ ગેમને બદનામ કરવા માટે શરમ આવે છે.

પા કિસ્તાની ક્રિકેટર્સ મોહમ્મદ આસિફ, મોહમ્મદ આમિર અને સલમાન બટ પાકિસ્તાનની ઇંગ્લેન્ડ 2010ના પ્રવાસમાં સ્પોટ-ફિક્સિંગ કૌભાંડમાં સામેલ હતા.