કોલંબોઃ શ્રીલંકા ક્રિકેટ (એસએલસી)ની કારોબારી સમિતિ અને દેશના ભૂતપૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગા વચ્ચેનો જંગ નિર્ણાયક તબક્કામાં પહોંચ્યો છે. એસએલસી વહીવટકારોએ ખોટા નિવેદનો કરીને ક્રિકેટ બોર્ડનું નામ બદનામ કરવા બદલ રણતુંગાને વળતર પેટે રૂ. બે અબજ ચૂકવવાની માગણી કરતો ડીમાન્ડ લેટર મોકલ્યો છે.
રણતુંગાને હાલમાં જ નેશનલ સ્પોર્ટ્સ કાઉન્સિલના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એમણે તાજેતરમાં એક અખબારી મુલાકાતમાં ઈરાદાપૂર્વક ખોટા, બદનામીભર્યા અને ઉપજાવી કાઢેલા નિવેદનો કર્યા હોવાનો એસએલસી કારોબારી સમિતિએ આરોપ મૂક્યો છે. સમિતિએ ગઈ કાલે યોજેલી તાકીદની બેઠકમાં રણતુંગા સામે કાનૂની પગલું ભરવાનો નિર્ણય લીધો હતો. એને પગલે સમિતિએ રણતુંગાને વળતર પેટે બે અબજ શ્રીલંકન રૂપિયા ચૂકવવાની માગણી કરતો દસ્તાવેજ રણતુંગાને મોકલ્યો છે.