ODI, ટેસ્ટ-ક્રિકેટને બચાવવા આઈસીસી સમય કાઢેઃ કપિલદેવ

ચંડીગઢઃ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવનું માનવું છે કે દુનિયામાં ટ્વેન્ટી-20 ક્રિકેટના વધી રહેલા ફેલાવાને કારણે વન-ડે ક્રિકેટ તેમજ ટેસ્ટ ક્રિકેટ ફોર્મેટ્સને બચાવવા પર ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના સત્તાધિશોએ વધારે ધ્યાન આપવાની જરૂર છે, એ માટે વધારે સમય કાઢવાની જરૂર છે.

સિડની મોર્નિંગ હેરાલ્ડ અખબારે 1983ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવને એવું કહેતા ટાંક્યા છે કે ક્લબ ક્રિકેટ (ટ્વેન્ટી-20 ફ્રેન્ચાઈઝ ક્રિકેટ)નો ફેલાવો વધી રહ્યો છે. એને કારણે ODI અને ટેસ્ટ ક્રિકેટ ફોર્મેટ્સ ઝાંખી પડી રહી છે. આ બંને ફોર્મેટનું અસ્તિત્વ બચાવવા માટે આઈસીસીએ વધારે ધ્યાન આપવાની જરૂર છે. યૂરોપમાં ફૂટબોલની જે હાલત થઈ એવી ક્રિકેટની થઈ શકે છે. આજે યૂરોપમાં કોઈ દેશ એકબીજા વિરુદ્ધ ફૂટબોલ મેચો રમતા નથી. ક્લબ લેવલની ફૂટબોલ વધારે રમાય છે. દેશો તો એકબીજા સામે ચાર વર્ષમાં માત્ર એક જ વાર (વર્લ્ડ કપ હોય ત્યારે) રમે છે. હવે એવું ક્રિકેટની બાબતમાં થઈ શકે છે. ખેલાડીઓ મોટે ભાગે આઈપીએલ કે બિગ બેશ કે એવી અન્ય લીગ સ્પર્ધાઓમાં રમ્યા કરશે. ભારતની આઈપીએલ, ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ, બાંગ્લાદેશની બીપીએલ, પાકિસ્તાનની કશ્મીર પ્રીમિયર લીગ બાદ હવે T20ની  સાઉથ આફ્રિકન લીગ અને યૂએઈ લીગ આવી રહી છે. જો બધાં દેશો ક્લબ ક્રિકેટ રમતાં થઈ જશે તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માત્ર વર્લ્ડ કપ પૂરતું જ રહી જશે.

ત્રણ-ત્રણ ફોર્મેટનો વર્ષ દરમિયાન ભરચક કાર્યક્રમ હોવાથી શારીરિક બોજો પડતો હોવાનું કારણ આપીને ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સે વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરતાં ક્રિકેટ આલમમાં ખળભળાટ મચી ગયો છે.