એશિયા કપ છોડવાથી પાકિસ્તાનને થશે લાખોનું નુકસાન

 નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના વડા નજમ સેઠીના જણાવ્યાનુસાર જો પાકિસ્તાનની ટીમ એશિયા કપ નથી રમતી તો ટુર્નામેન્ટથી થનારી કમાણીમાં આશરે 30 લાખ ડોલર (આશરે રૂ. 25 કરોડ)નું નુકસાન થવાની શક્યતા છે. તેમનું કહેવું હતું કે પાકિસ્તાન એ નુકસાન ભોગવવા તૈયાર છે, કેમ કે એ સિદ્ધાંતનો મામલો છે. BCCI અને PCBની વચ્ચે મતભેદની સ્થિતિ છે.

BCCI સચિવ જય શાહની અધ્યક્ષતાવાળી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) દ્વારા ટુર્નામેન્ટનું શેડ્યુઅલ જાન્યુઆરીમાં જારી કરી ચૂકી છે, પણ એનું આયોજન ક્યાં થશે એ હજી નક્કી નથી. પાકિસ્તાન એનું યજમાન છે, પણ BCCIએ ત્યાંનો પ્રવાસ રદ કરી દીધો છે. આવામાં PCB ઇચ્છે છે કે ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલમાં થાય. એટલે કે ભારતની મેચ તટસ્થ સ્થળે થાય અને બાકીની મેચો પાકિસ્તાનમાં થાય.વળી, ભારત ફાઇનલમાં પહોંચવા પર મેચ તટસ્થ સ્થળે જ થશે.

સેઠીએ કહ્યું હતું કે અમે સ્પષ્ટ તરીકે કહ્યું હતું કે જો એશિયા કપ હાઇબ્રિડ આધારે ના થાય તો અમે કોઈ બીજું શેડ્યુઅલનો સ્વીકાર નહીં કરીએ અને અમે રમીશું પણ નહીં. એશિયા કપ સપ્ટેમ્બરમાં થવાનો, પણ એને લઈને સંશય છે. જય શાહ અને નજમ સેઠીની વચ્ચે બેઠક થઈ ચૂકી છે, પરંતુ એમાં પરિણામ કોઈ નહોતું આવ્યું.

સેઠીએ વધુમાં કહ્યું હતું કે હવે ભારત માટે સુરક્ષા કોઈ મુદ્દો નથી. પાકિસ્તાનમાં અન્ય ટીમો રમવા તૈયાર છે તો પછી ભારતને પાકિસ્તાનમાં સુરક્ષાનો કોઈ મુદ્દો ના હોવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું.