કરાચીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે એક નિવેદનમાં કહ્યું છે કે, આ વર્ષે ન તો આઈપીએલ સ્પર્ધા યોજાશે કે ન તો ઓસ્ટ્રોલિયામાં ટ્વેન્ટી-20 વર્લ્ડ કપનું આયોજન થશે. અખ્તરે આવું એટલા માટે કહ્યું છે કે કોરોના વાયરસની મહામારીએ હાલ આખી દુનિયાને ઝપટમાં લીધી છે, જેને પહોંચી વળવું સરળ નથી. અનેક દેશોએ પોતાની વિદેશ યાત્રા અને પોતાના યાત્રા કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે વાત કરતા શોએબે કહ્યું કે, આ વર્ષના ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં નિર્ધારિત ટ્વેન્ટી-20 વર્લ્ડ કપને કોરોના વાયરસના પ્રકોપના કારણે સ્થગિત કરવામાં આવી શકે છે. એવી જ રીતે, આઈપીએલ 2020ના આયોજન પર પણ સવાલો ઉભા થયા છે. આ ક્રિકેટ લીગ આ વર્ષે યોજવી લગભગ અશક્ય લાગી રહ્યું છે. શોએબ અખ્તરે એમ પણ કહ્યું કે, ખેલાડીઓને તેમની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે વધારે સમય મળી ગયો છે, જેનાથી તેઓ ક્રિકેટમાં જોરદાર રીતે વાપસી કરી શકશે.
શોએબે કહ્યું કે, ટી-20 વર્લ્ડ કપ 18 ઓક્ટોબરથી શરુ થવાની છે, પરંતુ કોવિડ-19 મહામારીના કારણે આને સ્થગિત કરવામાં આવી શકે છે, પરંતુ આ બ્રેક ખેલાડીઓને એમની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે સારી તક સમાન છે. આને લીધે ક્રિકેટ ગેમ જ્યારે કમબેક કરશે ત્યારે ખેલાડીઓ પણ રમવા માટે સજ્જ થઈ ગયા હશે. અખ્તરે વધુમાં કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો સારા કરવાનો પણ આ યોગ્ય સમય છે. બંને દેશ એકબીજા સાથે છેલ્લા 8 વર્ષથી દ્વિપક્ષીય સિરીઝ રમ્યા નથી.
શોએબ અખ્તરે ભારતમાં લોકડાઉન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ વખાણ કર્યા છે. અખ્તરે કહ્યું કે આ સૌથી સારો સમય છે કે જ્યારે આપણે ક્રિકેટના માધ્યમથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સારા દ્વિપક્ષીય સંંબંધો બનાવી શકીએ છીએ. ભારતમાં લોકડાઉન મોદી સરકાર દ્વારા લેવામાં આવેલો સૌથી સારો નિર્ણય છે. આ એકમાત્ર પદ્ધતિ છે કે જેનાથી મહામારીને રોકી તો ન શકાય પરંતુ ફેલાવો જરૂર ઓછો કરી શકાય.