મુંબઈઃ રાષ્ટ્રીય સિનિયર પસંદગી સમિતિએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જનારી ભારતીય ટેસ્ટ ટીમની આજે જાહેરાત કરી છે. વિરાટ કોહલી ટીમનો કેપ્ટન રહેશે અને રોહિત શર્માને વાઈસ-કેપ્ટન તરીકે બઢતી અપાઈ છે. શર્માએ આ પદ માટે અજિંક્ય રહાણેને પાછળ રાખી દીધો છે. 18-સભ્યોની ટીમમાં જોકે રહાણે પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ થયો છે. ત્રણ ટેસ્ટમેચની શ્રેણીની પહેલી મેચ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયન શહેરના સુપરસ્પોર્ટ પાર્ક મેદાન પર રમાશે. બીજી મેચ 3-7 જાન્યુઆરીએ જોહનિસબર્ગના વોન્ડરર્સમાં અને ત્રીજી મેચ 11-15 જાન્યુઆરીએ કેપ ટાઉનના ન્યૂલેન્ડ્સમાં રમાશે. આ ટેસ્ટ શ્રેણી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો રહેશે. ડાબોડી સ્પિનરો – રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ ઈજાગ્રસ્ત હોવાને કારણે એમને આ પ્રવાસ માટેની ટીમમાં સામેલ કરાયા નથી.
ટેસ્ટ ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ-કેપ્ટન), કે.એલ. રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર, હનુમા વિહારી, રિષભ પંત (વિકેટકીપર), રિદ્ધિમાન સહા (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, જયંત યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ. (સ્ટેન્ડબાય ખેલાડીઓઃ નવદીપ સૈની, સૌરભ કુમાર, દીપક ચાહર, અર્ઝાન નાગવાસવાલા).
પસંદગીકારોએ ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીઓ માટેની ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્માને નિયુક્ત કરવાનો નિર્ણય પણ લીધો છે. શર્માએ આ પદ માટે કોહલીનું સ્થાન લીધું છે. આ જાહેરાત ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના ટ્વિટર હેન્ડલ પર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોહલીએ ટ્વેન્ટી-20 ક્રિકેટમાંથી રાજીનામું આપ્યું છે અને રોહિત શર્મા તેની જગ્યાએ કેપ્ટન નિમાયો છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં વન-ડે ટીમના સભ્યોની જાહેરાત થવાની હજી બાકી છે. 4-મેચોની ટ્વેન્ટી-20 શ્રેણીને હાલને તબક્કે બંને દેશના ક્રિકેટ બોર્ડે રદ કરી છે અને તે બાદમાં રમાડશે. ત્રણ વન-ડે મેચની તારીખો છેઃ 19 જાન્યુઆરી – પાર્લ, 21 જાન્યુઆરી – પાર્લ અને 23 જાન્યુઆરી – કેપ ટાઉન.