પાવર પેક્ડ પંતઃ આઈપીએલ-11નો સુપરસ્ટાર

રીષભ પંત – આ ખેલાડી હવે ટૂંક સમયમાં જ ‘બ્લુ જરસી’માં દેખાયો જ સમજો…

2018ની ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધા અથવા આઈપીએલ-11માં દિલ્હીનિવાસી અને દિલ્હી ડેરડેવિલ્સ ટીમના વિકેટકીપર-બેટ્સમેન રીષભ પંત માટે સૌથી યાદગાર બની રહેશે. દિલ્હીની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં તળિયે રહી ગઈ છે, પણ એનો વિકેટકીપર પંત જોરદાર બેટિંગ દેખાવ કરીને સ્પર્ધામાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન બન્યો છે અને ‘ઓરેન્જ કેપ’ હાંસલ કરી છે.

દિલ્હી ડેરડેવિલ્સનો યુવા ખેલાડી આ વર્ષની આઈપીએલમાં જોરદાર ફોર્મમાં રમ્યો છે. એણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં અણનમ 128 રન ફટકાર્યા હતા. આજે, રવિવાર 20 મેએ દિલ્હીના કોટલા મેદાન ખાતે દિલ્હીની અંતિમ લીગ મેચમાં એણે 44 બોલમાં 64 રન કર્યા હતા. એમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા હતા.

આ એ જ પંત છે જેને ભૂતકાળમાં રાજસ્થાનની જૂનિયર ટીમમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, પણ આજે એ આઈપીએલમાં જોરદાર રીતે ચમક્યો છે. આ વખતની મોસમમાં પંતે પોતાને નામે બે સિદ્ધિ નોંધાવી છે. ચોગ્ગા-છગ્ગાની સદી અને બેટિંગમાં સૌથી વધુ રન.

કુલ 68 ચોગ્ગા અને 37 છગ્ગા સાથે પંતે ચોગ્ગા-છગ્ગાની સદી પૂરી કરી છે અને આઈપીએલ-11માં આ સિદ્ધિ હાંસલ કરનાર તે પહેલો બેટ્સમેન બન્યો છે. આ મોસમમાં એણે 5 અડધી સદી ફટકારી છે અને એક સદી પોતાને નામે નોંધાવી છે.

ક્રિસ ગેલે 2011, 2012 અને 2013ની આઈપીએલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. તો વિરાટ કોહલી અને ડેવિડ વોર્નરે 2016માં હાંસલ કરી હતી.

પંતે 14 મેચોમાં કુલ 394 બોલનો સામનો કરીને 684 રન કર્યા છે, જે સૌથી વધારે છે. એની સરેરાશ રહી છે 52.62 અને સ્ટ્રાઈક રેટ રહ્યો છે 173.60.

આઈપીએલ સ્પર્ધામાં સૌથી વધારે રન ફટકારનાર ટોચના પાંચ વિકેટકીપર-બેટ્સમેનો છેઃ

રીષભ પંત, 684 (2018)

રોબીન ઉથપ્પા, 660 (2014)

કે.એલ. રાહુલ , 652 (2018)

જોસ બટલર, 548 (2018)

દિનેશ કાર્તિક, 510 (2013)

એડમ ગિલક્રિસ્ટ, 495 (2009)

પંત ભૂતકાળમાં રાજસ્થાન માટે અન્ડર-14 અને અન્ડર-16 ક્રિકેટ સ્પર્ધાઓમાં મેચો રમ્યો હતો. પણ એને ‘બહારનો’ ખેલાડી કહીને ટીમમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. પંત હિંમત હાર્યા વિના કે ઉત્સાહ ગુમાવ્યા વિના દિલ્હી પાછો ફર્યો હતો અને પોતાના 18મા જન્મદિવસથી દિલ્હી વતી પ્રથમ કક્ષાની ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.

દિલ્હી આવ્યા બાદ પંતનું ભાગ્ય ચમકવા માંડ્યું. એણે અન્ડર-19 વર્લ્ડ કપમાં પણ સરસ દેખાવ કર્યો હતો અને એના પગલે જ દિલ્હી ડેરડેવિલ્સ ટીમે એને રૂ. 1 કરોડ 90 લાખની કિંમતમાં ખરીદ્યો હતો. 2016ની સાલમાં પંતનો દેખાવ કંઈ ખાસ રહ્યો નહોતો, પણ 2017ની મોસમમાં એણે 165.61ના સ્ટ્રાઈક રેટ સાથે 366 રન કર્યા હતા.

2017ની મોસમમાં પંતના દેખાવને કારણે દિલ્હી ટીમે એને આ વર્ષની આઈપીએલ માટે રીટેન કર્યો હતો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]