રાજ્ય સભામાં બોલવા ન દીધાં તો તેંડુલકરે સોશિયલ મિડિયા પર વિચારો પ્રદર્શિત કર્યાં

મુંબઈ – ગુરુવારે રાજ્ય સભામાં વિપક્ષી સભ્યોએ અત્યંત શોરબકોર કર્યો હોવાથી પોતાને ખેલકૂદ વિષય પર સંબોધન કરવા ન મળતાં ભૂતપૂર્વ ક્રિકેટર સચીન તેંડુલકરે સોશિયલ મિડિયાનો સહારો લીધો છે અને એની પર પોતાનાં વિચારો પ્રદર્શિત કર્યાં છે. એમણે પોતાના ફેસબુક પેજ પર વિડિયો પોસ્ટ કરીને જણાવ્યું છે કે ભારતને એક સ્પોર્ટિંગ રાષ્ટ્ર કેવી રીતે બનાવી શકાય એમ છે.

તેંડુલકરે દેશમાં ખેલકૂદ સંસ્કૃતિનું ઘડતર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

તેંડુલકરે એમ પણ કહ્યું છે કે એવી ઘણી ગંભીર પ્રકારની બાબતો છે જેની પર ધ્યાન આપવાની જરૂર છે. એક રમતવીર તરીકે હું દેશમાં આરોગ્ય તથા ખેલકૂદ વિષય પર બોલીશ. ભારતને ખેલકૂદપ્રેમી રાષ્ટ્રમાંથી ખેલકૂદ રમતા રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાનો મારો પ્રયાસ છે. હું આપ સૌને અરજ કરું છું કે આ પ્રયાસમાં સહભાગી થાવ અને મારા સપનાને, આપણા સપનાને સાકાર કરવામાં મદદરૂપ થાવ.

તેંડુલકરે સૌ માતા-પિતાને વિનંતી કરી છે કે તેઓ એમના પુત્રોને રમતગમતોમાં આગળ વધવામાં જે ટેકો આપે છે એવો જ ટેકો એમની પુત્રીઓને પણ આપે.

ઉલ્લેખનીય છે કે, તેંડુલકર રાજ્યસભાના સદસ્ય તરીકે પાંચ વર્ષમાં પહેલી જ વાર, ગુરુવારે ભાષણ કરવા ઊભા થયા હતા, પણ વિપક્ષી કોંગ્રેસી સભ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે માફી મગાવવાના મામલે આગ્રહી હતા અને એટલે માટે કાર્યવાહી રોકવા મક્કમ હતા. એમના શોરબકોરને કારણે તેંડુલકર સંબોધન કરી શક્યા નહોતા. તેઓ ભારતમાં ખેલકૂદના તથા ખેલાડીઓના ભવિષ્ય સંબંધિત અનેક મુદ્દાઓ પર પોતાના વિચાર રજૂ કરવા માગતા હતા.

શાંતિ જાળવીને ભારત રત્ન તેંડુલકરને બોલવા દેવાની રાજ્ય સભાના અધ્યક્ષ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ વારંવાર વિનંતી કરી હતી તે છતાં કોંગ્રેસીઓ શાંત થયા નહોતા, પરિણામે નાયડુએ ગૃહની દિવસની કાર્યવાહીને સ્થગિત કરી દેવાની ફરજ પડી હતી.

httpss://www.facebook.com/SachinTendulkar/videos/1753046098052915/

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]