શાહરૂખને પાછળ રાખી કોહલી બન્યો મોસ્ટ વેલ્યુએબલ સેલિબ્રિટી બ્રાન્ડ

મુંબઈ – ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ભારતના ટોચના સેલિબ્રિટી બ્રાન્ડ તરીકે બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને પાછળ રાખી દીધો છે.

વેલ્યૂએશન એડવાઈઝર તરીકે જાણીતી ડફ એન્ડ ફેલ્પ્સના અહેવાલમાં જણાવ્યા મુજબ, કોહલી 14 કરોડ 40 લાખ ડોલરની બ્રાન્ડ વેલ્યૂ સાથે યાદીમાં પહેલા નંબરે છે.

શાહરૂખ ખાન 10 કરોડ 60 લાખ ડોલરની બ્રાન્ડ વેલ્યૂ સાથે બીજા નંબર પર છે.

ત્રીજા અને ચોથા ક્રમે અનુક્રમે દીપિકા પદુકોણ અને અક્ષય કુમાર છે. આ બંનેની બ્રાન્ડ વેલ્યૂ છે 9 કરોડ 30 લાખ ડોલર અને 4 કરોડ 70 લાખ ડોલર.

ડફ એન્ડ ફેલ્પ્સ ગ્લોબલ વેલ્યૂએશન અને કોર્પોરેટ ફાઈનાન્સ એડવાઈઝર કંપની છે. એણે રેન્કિંગ્સ આપવાની શરૂઆત કરી ત્યારથી શાહરૂખ પહેલા નંબર પર હતો, પણ આ પહેલી જ વાર કોહલીએ એને પછડાટ આપી છે. કોહલી હવે વિવિધ બ્રાન્ડ્સ માટે ફર્સ્ટ ચોઈસ બન્યો છે અને તે ગ્રાહકોને સૌથી વધુ આકર્ષિક કરનારો છે. 2017નું આખું વર્ષ ક્રિકેટના મેદાન પર જોરદાર દેખાવ કરવા ઉપરાંત મેદાન બહાર પણ કોહલી ઘણી રીતે સમાચારોમાં છવાયેલો રહ્યો છે અને આકર્ષણ જમાવવામાં સફળ રહ્યો છે.

ટોપ-15ની યાદીમાં આલિયા ભટ્ટ, વરુણ ધવન, બેડમિન્ટન ચેમ્પિયન પી.વી. સિંધુનો સમાવેશ થાય છે.