પૂજારા માટે સદીના દુકાળનો આવ્યો અંત

ચટ્ટોગ્રામઃ અહીં બાંગ્લાદેશ સામે રમાતી પહેલી ટેસ્ટ મેચમાં આજે ત્રીજા દિવસે ભારતના બીજા દાવમાં પોતાની 19મી સદી પૂરી કરવામાં ચેતેશ્વર પૂજારા સફળ થયો હતો. પૂજારાએ બાઉન્ડરી ફટકારીને પોતાની સદી પૂરી કરી એ સાથે જ ભારતના હંગામી કેપ્ટન કે.એલ. રાહુલે ટીમનો બીજો દાવ 2 વિકેટે 258 રને ડિકલેર કરી દીધો હતો. પૂજારા 130 બોલમાં 102 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એણે દાવમાં 13 ચોગ્ગા ફટકાર્યા હતા. 98 રનના વ્યક્તિગત સ્કોર વખતે એણે બાઉન્ડરી ફટકારીને સદી પૂરી કરી હતી. સામે છેડે ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી 19 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

આજની સદી સાથે પૂજારા માટે સદીના દુકાળનો અંત આવી ગયો છે. એ બાવન દાવ બાદ 100 રનનો આંક પ્રાપ્ત કરવામાં સફળ રહ્યો છે. સાથોસાથ, આ તેની ફાસ્ટેસ્ટ સદી પણ બની છે. છેલ્લે એણે 2019માં સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે સદી કરી હતી. આમ, તે ત્રણ વર્ષ, 11 મહિના અને 13 દિવસ બાદ ફરી સદી ફટકારવામાં સફળ રહ્યો છે. પૂજારા પહેલા દાવમાં 90 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. 97 ટેસ્ટ મેચમાં 166 દાવ રમનાર પૂજારા અત્યાર સુધીમાં 45ની એવરેજ સાથે 6,984 રન બનાવી ચૂક્યો છે. એના બેટિંગ પરફોર્મન્સમાં 19 સદી ઉપરાંત બે ડબલ સેન્ચુરી અને 34 હાફ-સેન્ચુરીનો પણ સમાવેશ થાય છે. એ તેની પહેલી ટેસ્ટ મેચ 2010માં ઓસ્ટ્રેલિયા સામે રમ્યો હતો. વર્તમાન ટેસ્ટના પહેલા દાવમાં ભારતે 404 રન કર્યા હતા. બાંગ્લાદેશ પહેલા દાવમાં કુલદીપ યાદવના કાંડાની કરામત (40 રનમાં પાંચ વિકેટ)ને કારણે માત્ર 150 રન કરી શક્યું હતું. ભારતે ગૃહ ટીમને જીત માટે 512 રનનો અત્યંત કઠિન ટાર્ગેટ આપ્યો છે. દિવસને અંતે બાંગ્લાદેશે તેના બીજા દાવમાં એકેય વિકેટ ગુમાવ્યા વગર 42 રન કર્યા હતા.