ઈજાગ્રસ્ત રોહિતની જગ્યાએ ટેસ્ટટીમમાં પ્રિયાંક પંચાલનો સમાવેશ

મુંબઈઃ આવતી 26 ડિસેમ્બરથી શરૂ થતા સાઉથ આફ્રિકા પ્રવાસ પૂર્વે ભારતીય ક્રિકેટ ટીમને મોટો ફટકો પડ્યો છે. ઓપનર અને ટેસ્ટ ટીમનો નવો વાઈસ-કેપ્ટન ઘોષિત કરાયેલો રોહિત શર્મા ઈજાગ્રસ્ત થતાં એ સાઉથ આફ્રિકામાં 3-મેચની ટેસ્ટ શ્રેણી રમી નહીં શકે. એની સાથળનો સ્નાયૂ ખેંચાઈ ગયો છે. ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે રોહિતની જગ્યાએ ગુજરાત રણજી ટીમના 31 વર્ષીય જમોડી ઓપનર પ્રિયાંક પંચાલનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કર્યો છે. રાષ્ટ્રીય પસંદગીકારોએ હજી હાલમાં જ નિર્ણય લઈને ટેસ્ટ ટીમના વાઈસ-કેપ્ટન તરીકે અજિંક્ય રહાણેની જગ્યાએ રોહિત શર્માને નિયુક્ત કર્યો હતો. ભારતીય ટીમ મુંબઈમાં ક્વોરન્ટીન થઈ એ પહેલાં નેટ સત્ર દરમિયાન રોહિતને પગમાં ઈજા થઈ હતી. હવે ટીમના ખેલાડીઓ મુંબઈથી આ જ અઠવાડિયે સાઉથ આફ્રિકા માટે રવાના થવાના છે. રોહિત શર્માએ સાઉથ આફ્રિકા સામે અત્યાર સુધીમાં 21 દાવમાં 47.68ની સરેરાશ સાથે 906 રન કર્યા છે.

ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે અમદાવાદનિવાસી ઓપનર અને મધ્યમ ઝડપી બોલર પ્રિયાંક પંચાલને ટેસ્ટ ટીમમાં તેના સંભવિત સમાવેશ વિશે બે દિવસ પહેલાં જાણ કરી દીધી હતી. પંચાલ સાઉથ આફ્રિકામાં ચાર-દિવસની ત્રણ મેચો રમનાર ઈન્ડિયા-A ટીમનો કેપ્ટન હતો. એમાં તેણે બે મેચમાં ટીમનું સુકાન સંભાળ્યું હતું અને ત્રણ દાવમાં 96, 24 અને 0 સ્કોર નોંધાવ્યો હતો.

વિરાટ કોહલીના સુકાનીપદ હેઠળની ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટમેચની શ્રેણીની પહેલી મેચ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયન શહેરના સુપરસ્પોર્ટ પાર્ક મેદાન પર રમશે. બીજી મેચ 3-7 જાન્યુઆરીએ જોહનિસબર્ગના વોન્ડરર્સમાં અને ત્રીજી મેચ 11-15 જાન્યુઆરીએ કેપ ટાઉનના ન્યૂલેન્ડ્સમાં રમાશે. આ ટેસ્ટ શ્રેણી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો રહેશે. ક્રિકેટ બોર્ડે વાઈસ-કેપ્ટનના નામની હજી જાહેરાત કરી નથી.

ટેસ્ટ ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, કે.એલ. રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, શ્રેયસ ઐયર, હનુમા વિહારી, રિષભ પંત (વિકેટકીપર), રિદ્ધિમાન સહા (વિકેટકીપર), પ્રિયાંક પંચાલ, રવિચંદ્રન અશ્વિન, જયંત યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ. (સ્ટેન્ડબાય ખેલાડીઓઃ નવદીપ સૈની, સૌરભ કુમાર, દીપક ચાહર, અર્ઝાન નાગવાસવાલા).