રાજકોટ – ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શોએ કારકિર્દીની પહેલી જ મેચના પહેલા દાવમાં ફટકારેલી સદી તથા વેસ્ટ ઈન્ડિઝના બોલિંગ આક્રમણ પર ભારતીય બેટ્સમેનોનું વર્ચસ્વ અહીંના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે શરૂ થયેલી પહેલી ટેસ્ટ મેચમાં આજે પહેલા દિવસની રમતની મુખ્ય વિશેષતા રહી.
આજે મેચના આરંભ પૂર્વે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પૃથ્વી શોને ટેસ્ટ કેપ સુપરત કરી હતી. 18-વર્ષના પૃથ્વીએ 19 ચોગ્ગા સાથે 134 રન ફટકાર્યા હતા. ભારતે દિવસની રમતને અંતે પહેલા દાવમાં 4 વિકેટે 364 રન કર્યા હતા.
કોહલી 72 અને વિકેટકીપર રિષભ પંત 17 રન સાથે દાવમાં હતો.
ચેતેશ્વર પૂજારાએ 86 અને અજિંક્ય રહાણેએ 41 રનનું યોગદાન આપ્યું છે.
કોહલીએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો યોગ્ય નિર્ણય લીધો હતો. કોહલી ઈંગ્લેન્ડમાં પાંચેય ટેસ્ટમાં ટોસ હાર્યો હતો.
રાજકોટના મેદાન પરની પીચ બેટ્સમેનો માટે અનુકૂળ છે, પરંતુ સ્કોર બોર્ડ પર ભારતના માત્ર 3 જ રન થયા હતા ત્યાં લોકેશ રાહુલ ઝીરો પર આઉટ થયો હતો.
આજે દિવસની રમતનો પહેલો હાફ પૃથ્વી શૉનો રહ્યો હતો. એ ડેબ્યૂ ટેસ્ટના પહેલા જ દાવમાં હાફ સેન્ચુરી અને સેન્ચુરી કરનાર સૌથી નાની વયનો ભારતીય બેટ્સમેન બન્યો છે. કારકિર્દીની પહેલી જ ટેસ્ટમાં સદી ફટકારવાની સિદ્ધિ પામનાર એ વિશ્વનો ચોથો બેટ્સમેન બન્યો છે અને ઉંમરની દ્રષ્ટિએ સચીન તેંડુલકર બાદ બીજા ક્રમનો ભારતીય છે.
મુંબઈની પડોશના થાણેમાં જન્મેલા અને પ્રથમ કક્ષાની ક્રિકેટમાં મુંબઈ વતી રમતા પૃથ્વી અને પૂજારાએ મળીને બીજી વિકેટ માટે 206 રન કર્યા હતા. એમાંના 130 રન લંચ પહેલાના સત્રમાં આવ્યા હતા. એ વખતે શોએ 56 બોલમાં સાત ચોગ્ગા સાથે 50 રન કરી લીધા હતા.
પૂજારાએ 67 બોલમાં તેની હાફ સેન્ચુરી પૂરી કરી હતી જેમાં 9 ચોગ્ગા હતા. બંને બેટ્સમેન લેગસ્પિનર દેવેન્દ્ર બિશુ સામે વધુ આક્રમક રીતે રમ્યા હતા. બિશુએ 19 ઓવરમાં 76 રન આપ્યા હતા. લંચ વખતે શો 75 રન સાથે દાવમાં હતો અને લંચ બાદ 99 બોલમાં પોતાના સિદ્ધિસમાન 100 રન પૂરા કર્યા હતા.
પૃથ્વી ભારત વતી ડેબ્યૂ ટેસ્ટમાં સૌથી ઝડપે સદી ફટકારનાર બીજો ભારતીય બન્યો છે. પહેલો છે, શિખર ધવન, જેણે 2013માં ઓસ્ટ્રેલિયા સામે 85 બોલમાં 100 રન ફટકાર્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝ ટીમ તેના રેગ્યૂલર કેપ્ટન જેસન હોલ્ડર વિના રમી રહી છે. હોલ્ડરના પગની ઘૂંટી મચકોડાઈ ગઈ છે. એની જગ્યાએ ક્રેગ બ્રેથવેઈટ ટીમનું સુકાન સંભાળી રહ્યો છે.
પૃથ્વી શોના દાવનો અંત ભારતના 209 રનના સ્કોર પર આવ્યો હતો. ટી-બ્રેક વખતે ભારતે 3 વિકેટના બોગે 232 રન કર્યા હતા.
ટી-બ્રેક બાદ કોહલીએ તેની 20મી ટેસ્ટ સેન્ચુરી પૂરી કરી હતી – 100 બોલમાં. એમાં માત્ર બે જ બાઉન્ડરી સામેલ હતી. કોહલી અને રહાણે વચ્ચે 100 રનની ભાગીદારી થઈ હતી. રહાણે પણ હાફ સેન્ચુરી ફટકારશે એવું લાગતું હતું, પણ કોહલી સાથે 105 રનની ભાગીદારી બાદ અને 337 રનના ટીમ સ્કોર પર એ આઉટ થયો હતો.