વાહ પૃથ્વી… પહેલી જ મેચમાં ૯૯ બોલમાં ૧૦૦ રન..!!

રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝ પહેલી ટેસ્ટ મેચ જોવા આવેલા ક્રિકેટચાહકોને જલસો પડી ગયો. કારકિર્દીની પહેલી જ મેચ રમનાર પૃથ્વી શૉએ ઐતિહાસિક બેટિંગ કરી. કારકિર્દીની પહેલી જ ટેસ્ટમાં સદી ફટકારનાર એ સૌથી યુવાન વયનો ભારતીય બેટ્સમેન અને વિશ્વમાં ચોથા નંબરનો બેટ્સમેન બન્યો છે.

મેચના આજે પહેલા દિવસે ભારતના પહેલા દાવમાં પૃથ્વીએ કેરેબિયન બોલરોની ધુલાઈ કરીને સદી ફટકારી દીધી. વેસ્ટ ઈન્ડિયન બોલરોને પૃથ્વીનો પાવર જોવા મળ્યો. આંખના પલકારામાં જાણે બધું થઈ ગયું. 18-વર્ષનો પૃથ્વી રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવા માટે પોતે જેટલો આતુર હતો એટલા જ આતુર દેશભરના ક્રિકેટપ્રેમીઓ પણ હતા, જેઓ પૃથ્વી શૉની ટેલેન્ટને જાણતાં હતાં.

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ભયાનક રીતે, ગુસ્સો ચડે એ રીતે નિષ્ફળ ગયેલા અનુભવી શિખર ધવનની જગ્યાએ પૃથ્વીને ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું અને એણે પહેલા જ પ્રયાસે 25, 50, 75થી પણ આગળ વધીને, 100+ રન ફટકારી દીધા.

વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી અને પૃથ્વી દાવ લેવા મેદાનમાં ઉતર્યો. આવતાવેંત એણે એની નેચરલ આક્રમક બેટિંગ શરૂ કરી દીધી હતી. 50 રન ફટકારીને પણ એ અટક્યો નહીં સેન્ચુરી જમાવી દીધી.

મુંબઈની પડોશના થાણેમાં જન્મેલા અને પ્રથમ કક્ષાની ક્રિકેટમાં મુંબઈ વતી રમતો, 18 વર્ષ અને 329 દિવસની વયનો પૃથ્વી આ સાથે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી યુવાન વયનો ભારતીય સદીકર્તા બન્યો છે. વિશ્વમાં આ સિદ્ધિ હાંસલ કરનાર માત્ર ચોથો જ બેટ્સમેન છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી નાની વયે સદી ફટકારવાની સિદ્ધિમાં સચીન તેંડુલકર બાદ પૃથ્વી શો બીજા નંબરે છે. સચીન તેંડુલકરે 1990માં, માન્ચેસ્ટર ખાતે ઈંગ્લેન્ડ સામે સદી ફટકારી હતી ત્યારે એની ઉંમર 17 વર્ષ અને 107 દિવસ હતી.

ટેસ્ટ ક્રિકેટમાં નાની ઉંમરે હાફ-સેન્ચુરી કરનાર ભારતીયોમાં પૃથ્વી ત્રીજા નંબરે છે. પહેલા બે નંબરે છે – સચીન તેંડુલકર અને પાર્થિવ પટેલ. પરંતુ, સચીન અને પાર્થિવ કરતાં પૃથ્વી એ રીતે ચડિયાતો બન્યો છે કે એણે ડેબ્યૂ ટેસ્ટમાં જ હાફ સેન્ચુરી અને સદી ફટકારી છે.

કારકિર્દીની પહેલી જ ટેસ્ટમાં સૌથી નાની વયે સદી ફટકારનાર પૃથ્વી શૉ પૂર્વેનાં બેટ્સમેનો છે – બાંગ્લાદેશનો મોહમ્મદ અશ્રફુલ (17 વર્ષ અને 61 દિવસની ઉંમરે), ઝિમ્બાબ્વેનો હેમિલ્ટન મસકઝાદા (17 વર્ષ અને 352 દિવસની ઉંમરે) અને પાકિસ્તાનનો સલીમ મલિક (18 વર્ષ અને 323 દિવસની ઉંમરે).

કારકિર્દીની પહેલી જ ટેસ્ટમાં સદી ફટકારનાર પૃથ્વી 15મો ભારતીય છે. આ યાદીમાં કપિલ દેવ, અબ્બાસ અલી બેગ, માધવ આપ્ટે, મોહમ્મદ અઝહરુદ્દીન, સૌરવ ગાંગુલી, શિખર ધવન, સુરેશ રૈના, વિરેન્દર સેહવાગના પણ નામ છે.

ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારવાની સિદ્ધિ પૃથ્વી પહેલાં હાંસલ કરનાર હતો રોહિત શર્મા. એણે 2013ના નવેંબરમાં એ પરાક્રમ કરી બતાવ્યું હતું.

આજે પૃથ્વીએ 99 બોલમાં તેના 100 રન પૂરા કર્યા એ સાથે જ ડ્રેસિંગ રૂમમાં કેપ્ટન કોહલી સહિત તમામ ખેલાડીઓએ ઊભા થઈને એની સિદ્ધિને બિરદાવી હતી.

પૃથ્વી અંતે 154 બોલનો સામનો કરીને 134 રન કરીને આઉટ થયો હતો. પોતાના દાવમાં એણે 19 ચોગ્ગા ફટકાર્યા હતા. એ આઉટ થયો હતો ત્યારે ભારતનો સ્કોર 232 રન હતો. એણે અને ચેતેશ્વર પૂજારા (89)એ મળીને 206 રનની ભાગીદારી કરી હતી.

દિવસને અંતે, ભારતે તેના પહેલા દાવમાં 4 વિકેટે 364 રન કર્યા હતા. કેપ્ટન કોહલી 72 અને વિકેટકીપર રિષભ પંત 17 રન સાથે દાવમાં હતો. અજિંક્ય રહાણે (41)ની વિકેટ પડ્યા બાદ પંત કેપ્ટન કોહલી સાથે જોડાયો હતો.

પૃથ્વી શૉએ તેની વિક્રમસર્જક, ઐતિહાસિક સદી તેના પિતા પંકજ શૉને અર્પણ કરી છે. પૃથ્વીએ કહ્યું કે, હું 4 વર્ષનો હતો ત્યારે મારા માતાનું નિધન થયું હતું. ત્યારબાદ મારા પિતાએ એકલાએ જ મને ઉછેરીને મોટો કર્યો છે અને આ સ્તરે પહોંચાડ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]