રાજકોટ – ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ભારપૂર્વક જણાવ્યું છે કે વેસ્ટ ઈન્ડિઝ સામેની આગામી ટેસ્ટ શ્રેણી માટેની ટીમમાંથી બેટ્સમેન કરુણ નાયરની વિવાદાસ્પદ બાકાતી વિશે કમેન્ટ કરવાનું એનું કામ નથી. વળી, વ્યાપક માન્યતાથી વિપરીત, તમામ નિર્ણયો કોઈ એક જ સ્થળે લેવાતા નથી.
વિદેશની ધરતી પર રમાયેલી શ્રેણીઓમાં પરાભવ થયા બાદ ભારતીય ટીમ હવે ઘરઆંગણે સારો દેખાવ કરીને બગડેલી બાજી સુધારવા આતુર છે, પરંતુ વિન્ડીઝ સામે બે-ટેસ્ટની આગામી શ્રેણી માટેની ટીમમાંથી નાયરની બાકાતીથી વિવાદ સર્જાયો છે. એને ઈંગ્લેન્ડ સામે પાંચ-ટેસ્ટની સીરિઝમાં પણ રમાડવામાં આવ્યો નહોતો, અને ઈલેવનની બહાર જ રાખવામાં આવ્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી ટેસ્ટ મેચ અહીંના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન મેદાન પર આવતીકાલે, 4 ઓક્ટોબરથી શરૂ થવાની છે. મેચની પૂર્વસંધ્યાએ પત્રકારો સાથેની વાતચીતમાં કોહલીએ કહ્યું કે નાયરની બાકાતી વિશે પસંદગીકારો કહી ચૂક્યા છે અને તેથી મારે કંઈ કહેવાનું રહેતું નથી. ટીમની પસંદગી એ સિલેક્ટરોનું કામ છે. જ્યારે કોઈએ ચોખવટ કરી દીધી હોય ત્યારે એ મુદ્દો ફરી ઉખેડવાનો કોઈ અર્થ નથી. ટીમની રચના તરીકે અમારે એ જ કામ કરવાનું હોય જેવી અમારી પાસે અપેક્ષા રાખવામાં આવી હોય. દરેક જણે પોતપોતાની કામગીરીથી વાકેફ રહેવાનું જ હોય.
રાજકોટ ટેસ્ટ માટે 12-જણની ટીમમાં પૃથ્વીનો સમાવેશ
ગયા ફેબ્રુઆરીમાં, ભારતની અન્ડર-19 ટીમને વર્લ્ડ કપ જિતાડવામાં નેતૃત્વ કરનાર પૃથ્વી શો આવતીકાલથી અહીં શરૂ થનાર ટેસ્ટમેચમાં રમીને પોતાની કારકિર્દીનો આરંભ કરવા માટે સજ્જ થઈ ગયો છે.
18 વર્ષનો શો મોટે ભાગે લોકેશ રાહુલ સાથે વેસ્ટ ઈન્ડિઝની બોલિંગનો સામનો કરવાનો આરંભ કરશે. શોને શિખર ધવનની જગ્યાએ લેવામાં આવ્યો છે.
શોને 12-જણની ટીમમાં સામેલ કરવા માટે ઓલરાઉન્ડર હનુમા વિહારીને પણ પડતો મૂકી દેવામાં આવ્યો છે જેને 15-સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ટીમમાં ભારતે 6 બેટ્સમેનને પાંચ બોલરને પસંદ કર્યા છે. આમાં ત્રણ સ્પિનર છે – રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ. જ્યારે મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ તથા શાર્દુલ ઠાકુર ફાસ્ટ બોલરો છે. જો પૃથ્વી શોને ઈલેવનમાં સામેલ કરવામાં આવશે તો શાર્દુલ ઠાકુરને કદાચ 12મો ખેલાડી બનાવવામાં આવશે.
મુંબઈકર પૃથ્વી શોને ઈંગ્લેન્ડમાં પણ મોકલવામાં આવ્યો હતો. પાંચ મેચોની સીરિઝની છેલ્લી બે મેચમાં એ ભારતીય ટીમનો એક સભ્ય હતો, પણ એને ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો નહોતો. હવે જો એ વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે તો ભારતનો 293મો ટેસ્ટ ખેલાડી બનશે. શોએ પ્રથમ કક્ષાની 14 મેચોમાં 56.72ની સરેરાશ સાથે 1,478 રન કર્યા છે.
ભારતના વાઈસ-કેપ્ટન અજિંક્ય રહાણેએ પૃથ્વી શોની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે સીરિઝમાં શો એની નેચરલ ગેમ રમે એ જોવા પોતે આતુર છે. એ કિશોરઅવસ્થામાં મુંબઈમાં રમતો હતો ત્યારથી એ મારી નજરમાં છે. અમે સાથે પ્રેક્ટિસ પણ કરી છે. એ એટેકિંગ ઓપનિંગ બેટ્સમેન છે. મુંબઈવતી એ ઘણું સરસ રમ્યો છે. મને ખાતરી છે કે એ સારું રમશે.
12-ખેલાડીઓની ભારતીય ટીમઃ
વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, પૃથ્વી શો, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, રિષભ પંત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, શાર્દુલ ઠાકુર.