ચંડીગઢ – વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે બે-મેચની ટેસ્ટ સીરિઝ માટેની ભારતીય ટીમમાંથી બેટ્સમેન કરુણ નાયરને પડતો મૂકવા બદલ પસંદગીકારો પર સિનિયર ઓફ્ફ સ્પિનર હરભજન સિંહ ભડકી ગયો છે.
હરભજન સિંહે કહ્યું કે નાયરને બાકાત રાખવા માટે એમ.એસ.કે. પ્રસાદની આગેવાની હેઠળની પસંદગી સમિતિના નિર્ણય પાછળ કયા માપદંડ છે એ મને હજી સુધી સમજાયું નથી.
ઉલ્લેખનીય છે કે, નાયરને અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ તથા ઈંગ્લેન્ડ સામેની પાંચેય ટેસ્ટ મેચ વખતે ઈલેવનની બહાર બેસાડી રાખ્યા બાદ પસંદગીકારોએ એને હવે આગામી શ્રેણીમાંથી સાવ બાકાત કરી નાખ્યો છે. એને 15-સભ્યોની ટીમમાં પણ સામેલ નથી કર્યો.
હરભજને સવાલ કર્યો છે કે, પસંદગીકારોનો નિર્ણય એક કોયડાસમાન છે. કોઈ ખેલાડીને ત્રણ-ત્રણ મહિના સુધી બેન્ચ પર બેસાડી રાખવાનો શું મતલબ? શું તે હવે એટલો બધો ખરાબ થઈ ગયો છે કે ટીમમાં સ્થાનને પણ લાયક રહ્યો નથી?
ભારત વતી ટેસ્ટ ક્રિકેટમાં માત્ર બે જ બેટ્સમેને ટ્રિપલ સેન્ચુરી ફટકારી છે. એક, વિરેન્દર સેહવાગે અને બીજો કરુણ નાયર.