હું સિનિયર ટીમ વતી રમવા તૈયાર થઈ ગયો છું: પૃથ્વી શૉ

મુંબઈ – ભારતીય વર્લ્ડ કપ વિજેતા અન્ડર-19 ટીમના કેપ્ટન પૃથ્વી શૉનું કહેવું છે કે પોતે દેશની સિનિયર ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવા માટે સજ્જ થઈ ગયો છે.

એક મુલાકાતમાં, 18 વર્ષીય શૉએ કહ્યું કે સિનિયર લેવલ પર રમવા માટે જે ફિટનેસ હોવી જોઈએ અને જેટલા રન કરવા જોઈએ એટલો હું યોગ્ય છું એવું હું માનું છું. પસંદગીકારો કદાચ મારા વિશે વિચારતા પણ હશે. તક મળે કે તરત હું ઝડપી લઈશ.

પૃથ્વી શૉએ તાજેતરમાં રમાઈ ગયેલી અન્ડર-19 વર્લ્ડ કપ સ્પર્ધામાં પાંચ દાવમાં 65.25ની સરેરાશ સાથે 261 રન કર્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એ પાંચ સેન્ચુરી ફટકારી ચૂક્યો છે.

મુંબઈ ટીમ વતી રમતા બેટ્સમેન શૉએ કહ્યું કે વર્લ્ડ કપના વિજય બાદ હવે પોતે વિજય હઝારે ટ્રોફીમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે.

શૉને આગામી આઈપીએલ મોસમ માટે દિલ્હી ડેરડેવિલ્સ ટીમે રૂ. 1.2 કરોડમાં ખરીદ્યો છે.

શૉનું કહેવું છે કે આઈપીએલમાં રમવાની મજા આવશે.