ટી-સિરીઝ ફિલ્મોનાં નિર્માણ માટે રૂ. 500 કરોડનું મૂડીરોકાણ કરશે

મુંબઈ – ભારતની અગ્રગણ્ય મ્યુઝિક કંપની અને મૂવી સ્ટુડિયો T-Series ચાલુ વર્ષમાં ફિલ્મોનાં નિર્માણ માટે રૂ. 500 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કરશે.

એક નિવેદનમાં કંપનીના ચીફ મેનેજિંગ ડાયરેક્ટર ભુષણ કુમારે જણાવ્યું છે કે આ વર્ષમાં અમે 9-10 કન્ટેન્ટ-આધારિત ફિલ્મો રિલીઝ કરવાના છીએ. એ ફિલ્મો દ્વારા ટેલેન્ટેડ કલાકારો, નિર્માતાઓ, પટકથા લેખકો અને સ્વપ્નદ્રષ્ટા દિગ્દર્શકોને એમની ક્ષમતા રજૂ કરવાનો મોકો મળશે. વર્ષ 2018 ટી-સિરીઝ કંપની માટે સિદ્ધિસમાન બની રહેશે.

ભૂષણ કુમારે વધુમાં જણાવ્યું છે કે અમારું ધ્યાન મનોરંજક તેમજ વિચારણીય ફિલ્મોનું નિર્માણ કરવા પર કેન્દ્રિત રહેશે. અમારો ઉદ્દેશ્ય માત્ર માર્કેટમાં મોટો હિસ્સો પ્રાપ્ત કરવાનો જ નથી, પરંતુ પ્રેક્ષણીય ફિલ્મો બનાવવાનો પણ છે.

કુમારે કહ્યું કે, ફિલ્મો પ્રત્યે દર્શકોની ઈચ્છા ઝડપથી બદલાતી હોય છે. તેથી અમે નિતનવા આઈડિયાઝ સાથે એમને માટે વિવિધ પ્રકારની ફિલ્મો રજૂ કરીશું. અમને એ કહેતા આનંદ થાય છે કે ઈન્ડસ્ટ્રીમાંની સરસ ટેલેન્ટનો અમને સાથ મળ્યો છે.

ટી-સિરીઝ દ્વારા 2018માં જે ફિલ્મો રિલીઝ થવાની છે તેમાંની અમુક આ છેઃ સોનુ કે ટીટૂ કી સ્વીટી, હેટ સ્ટોરી 4, રેઈડ, બ્લેકમેઈલ, ફન્ને ખાન, બત્તી ગુલ મીટર ચાલુ, કેદારનાથ, અર્જુન પટિયાલા, દીપિકા પદુકોણ-ઈરફાન ખાન અભિનીત ફિલ્મ, અજય દેવગન અભિનીત ફિલ્મ.