સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં કામ કરવાનો શાહરૂખનો ઈનકાર

મુંબઈ – લગભગ એકાદ વર્ષ પહેલાંની વાત છે, ત્યારે શાહરૂખ ખાને એક મુલાકાતમાં એમ કહેલું કે પોતાને સંજય લીલા ભણસાલીએ એમની બે ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી હતી. એમાંની એક ઐતિહાસિક વાર્તા પર આધારિત હતી અને બીજી કોઈ અલગ વિષયની.

શાહરૂખે એમ પણ કહ્યું હતું કે ભણસાલીએ પોતાને બે ફિલ્મની સ્ક્રિપ્ટ ઓફર કરી હતી, પરંતુ બેમાંની એકેય ફિલ્મ વિશે વાત આગળ વધી નથી.

હવે એક સૂત્રના કહેવા મુજબ શાહરૂખ હાલને તબક્કે ભણસાલીની કોઈ ફિલ્મ કરતો નથી. બંને વચ્ચે ગયા વર્ષે બે ફિલ્મની સ્ક્રિપ્ટ અંગે ઘણી બેઠકો થઈ હતી, પરંતુ કંઈ નક્કર વાત બની નહોતી. શાહરૂખે ભણસાલીને એમની એ ફિલ્મોમાં કામ કરવાની નમ્રતાપૂર્વક ના પાડી દીધી હતી.

સૂત્રનું એમ પણ કહેવું છે કે શાહરૂખે બંને ફિલ્મમાં કામ કરવાનો ઈનકાર કરી દીધો હોવા છતાં બંને જણ પ્રોફેશનલ હોઈ મિત્રતા અને અંગત સંબંધ જાળવી રાખશે. ભવિષ્યમાં કોઈક નવી ફિલ્મ માટે સાથે મળીને કામ કરવાનું બંનેએ એકબીજાને વચન આપ્યું છે.

શાહરૂખ ખાન અગાઉ ભણસાલીની ‘દેવદાસ’માં કામ કરી ચૂક્યો છે. એની પાસે હાલ ‘ઝીરો’ નામની ફિલ્મ છે જે આ વર્ષના નાતાલ તહેવારમાં રિલીઝ કરાય એવી ધારણા છે.

તે ઉપરાંત અવકાશયાત્રી રાકેશ શર્માના જીવન પર આધારિત ફિલ્મ માટે નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂરની ઓફરનો શાહરૂખે સ્વીકાર કર્યો હોવાના અહેવાલ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]