મુંબઈ – ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ સ્પષ્ટતા કરી દીધી છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) 2020માં એશિયા કપનું આયોજન કરે એમાં ભારતને કોઈ વાંધો નથી, પરંતુ ભારતીય ટીમ એમાં રમવા માટે પાકિસ્તાન નહીં જાય.
બીસીસીઆઈએ એમ પણ કહ્યું છે કે પાકિસ્તાન સાથે ભારત તટસ્થ ભૂમિ પર રમવા તૈયાર છે.
બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે સ્પર્ધાનું યજમાનપદ ભોગવવાના અધિકાર સામે ભારતને કોઈ વાંધો નથી, પણ ટ્વેન્ટી-20 સ્પર્ધા માટે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય. ભારત એને બદલે કોઈ તટસ્થ ભૂમિ પર પાકિસ્તાન સામે રમવા તૈયાર છે. આમ, ભારતને પાકિસ્તાન સામે રમવામાં નહીં, પણ રમવાના સ્થળ સામે વાંધો છે. ભારત પાકિસ્તાન સામે દ્વિપક્ષીય સિરીઝ રમવા તેમજ એશિયા કપ જેવી બહુ-રાષ્ટ્રીય સ્પર્ધામાં રમવા પણ પાકિસ્તાન જવા હાલને તબક્કે તૈયાર નથી. જો એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) ભારત વગર એશિયા કપ સ્પર્ધા યોજવા માગે તો એમ કરી શકે છે. જો તે એમ ઈચ્છતું હોય કે ભારત પણ એશિયા કપમાં રમે તો એનું સ્થળ પાકિસ્તાન હોવું ન જોઈએ.
ઉલ્લેખનીય છે કે, 2018માં એશિયા કપ સ્પર્ધા ભારતમાં યોજવાનું આવ્યું હતું ત્યારે પાકિસ્તાનના ખેલાડીઓને વિઝા આપવાનો પ્રશ્ન ઊભો થયો હતો. પરિણામે સ્પર્ધાને યુએઈમાં યોજવી પડી હતી.
હવે પાકિસ્તાન પણ એવું જ કરી શકે છે. એ પણ કોઈ તટસ્થ સ્થળે એશિયા કપ યોજી શકે છે. તટસ્થ સ્થળ કાયમ ખુલ્લો વિકલ્પ રહે છે. બીસીસીઆઈએ 2018માં એમ જ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, 10 વર્ષ બાદ પહેલી જ વાર, 2019માં પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટે પુનરાગમન કર્યું હતું જ્યારે શ્રીલંકાની ટીમ ત્યાં રમવા ગઈ હતી. શ્રીલંકા ટીમ ત્યાં ફૂલ સિરીઝ રમી હતી જ્યારે બાંગ્લાદેશે હાલમાં જ ત્યાં 3 ટ્વેન્ટી-20 મેચો રમી છે.