પેરિસઃ પેરિસ ઓલિમ્પિકમાં દેશની સ્ટાર શૂટર મનુ ભાકરનો પ્રવાસ પૂરો થયો હતો. 25 મીટર પિસ્ટલ ઇવેન્ટમાં તે મેડલ ના જીતી શકી. જોકે તેણે બે મેડલ જીતવાની સાથે-સાથે એક ઓલિમ્પિકમાં ત્રણ ફાઇનલમાં જગ્યા બનાવીને પહેલાં ઇતિહાસ રચી દીધો હતો. મહિલાઓની 25 મીટર પિસ્ટલ ઇવેન્ટમાં મનુ ચોથા સ્થાને રહી હતી.
આ પહેલાં શની મહિલા શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક્સમાં 25 મીટર સ્પોર્ટ્સ પિસ્તોલ સ્પર્ધાની ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે અને તે મેડલની હેટ્રિક સાથ ઇતિહાસ રચવાની નજીક પહોંચી છે. શુક્રવારે ક્વોલિફાયર રાઉન્ડમાં મનુએ શાનદાર દેખાવ કરતા બીજો ક્રમ મેળવ્યો હતો અને ફાઇનલમાં તેનું સ્થાન પાકું કર્યું હતું. અગાઉ મનુ ભાકરે વિમેન્સ 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ તથા મિક્સ્ડ 10 મીટર એર પિસ્તોલમાં ભારતના શૂટર સરબજોત સિંઘ સાથે મળીને બ્રોન્ઝ એમ બે બ્રોન્ઝ મેડલ દેશ માટે જીત્યા હતા. મનુ એક જ ઓલિમ્પિક્સમાં બે બ્રોન્ઝ મેડલ જીતનાર સૌપ્રથમ ભારતીય શૂટર પણ બની છે.
મનુએ 25 મીટર સ્પોર્ટ્સ પિસ્તોલ સ્પર્ધાના ક્વોલિફાયર રાઉન્ડમાં પ્રારંભથી દબદબો જાળવ્યો હતો અને તે યાદીમાં ટોપ થ્રીમાં રહી હતી. પ્રિસિઝન તથા રેપિડ રાઉન્ડમાં મળીને તેનો સરેરાશ સ્કોર 590 રહ્યો હતો અને તે બીજા ક્રમે રહી હતી. પ્રથમ ક્રમે હંગેરીની શૂટર વેરોનિકા મેજર રહી હતી જેણે 592 અંકના ઓલિમ્પિક રેકોર્ડની બરાબરી કરી હતી. બીજીતરફ ભારતની અન્ય શૂટર ઈશા સિંઘનો સરેરાશ સ્કોર 581 (પ્રિસિઝનમાં 291 અને રેપિડમાં 290) રહ્યો હતો અને તે 40 શૂટર્સ પૈકી 18માં ક્રમે રહેતા ફાઈનલમાં ક્વોલિફાઈ કરી શકી નહતી.