લાહોરઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ 2023થી 2017ની સાલ સુધી પોતાના ભાવિ ક્રિકેટ કાર્યક્રમ (ફ્યૂચર ટૂર્સ પ્રોગ્રામ – FTP)ની જાહેરાત કરી છે. પાકિસ્તાન 2023માં 50-ઓવરોવાળી વન-ડે ઈન્ટરનેશનલ મેચોની એશિયા કપ સ્પર્ધા યોજાશે અને 2025માં તે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાન બનશે. અહીં ઘણાયને સવાલ એ સતાવે છે કે શું ભારતને આખરે તેની ટીમને પાકિસ્તાનમાં રમવા મોકલવાની ફરજ પડશે?
ભારત અને પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષી ક્રિકેટ સંબંધો છેલ્લા 10 કરતાંય વધારે વર્ષોથી સ્થગિત થઈ ગયા છે. પાકિસ્તાન ટીમ છેલ્લે 2012-13માં ભારતના પ્રવાસે ગઈ હતી. એ વખતે બંને ટીમ ભારતની ધરતી પર ત્રણ વન-ડે અને બે ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો રમી હતી. ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લે છેક 2008માં પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી. 2008માં, પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ મુંબઈમાં ભયાનક શ્રેણીબદ્ધ બોમ્બ હુમલા અને ગોળીબાર-હુમલા કર્યા હતા ત્યારથી ભારતે પોતાની ક્રિકેટ ટીમને પાકિસ્તાનમાં મોકલી નથી. 2008માં ભારતીય ટીમ એશિયા કપ રમવા પાકિસ્તાન ગઈ હતી.
ભારત અને પાકિસ્તાન ટીમ આ જ મહિને દુબઈમાં એકબીજાની સામે રમવાની છે. એશિયા કપ-2022નું આયોજન યૂએઈના દુબઈ અને શારજાહમાં કરવામાં આવનાર છે. બંને વચ્ચેની મેચ 28 ઓગસ્ટે રમાશે.