નવી દિલ્હીઃ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના શિડ્યુલ અને સ્થળ પર સસ્પેન્શન યથાવત્ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની શાન ઠેકાણે લાવવાનો નિર્ણય ICCએ કર્યો છે. ICC સહિત ટુર્નામેન્ટમાં ભાગ લેતા દેશોની લીલી ઝંડી મળ્યા પછી પાકિસ્તાન હજી પણ અક્કડ વલણ દાખવી રહ્યું છે, જેથી ICCએ પાકિસ્તાનનો કાન આમળતાં કહ્યું હતું કે PCB BCCIની વાત પાકિસ્તાન માને અન્યથા ચેમ્પિયન્સ ટ્રોફી ભૂલી જાય.
ચૈમ્પિયંસ ટ્રોફી મુદ્દામાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ઇચ્છતું હતું કે હાઇબ્રિડ મોડલ સ્વીકાર કરવા બદલે તેને પણ ફાયદો થાય અને BCCI પણ સંતુષ્ટ થઈ જાય. વાસ્તવમાં, PCB નું કહેવું હતું કે ભારતીય ટીમ તેઓનાં દેશ આવવા ઇચ્છતી નથી, તો આગામી ઇવેન્ટ્સમાં પાક ટીમ પણ રમવા માટે ભારત નહીં જાય અને તેના માટે પણ હાઇબ્રિડ મોડલ લાગુ કરવું જોઈએ. સ્પષ્ટ રીતે પાકિસ્તાન તરફથી ભારત-પાક મેચો દુબઈમાં કરાવવાની માગ કરવામાં આવી હતી. હવે એક નવો ખુલાસો થયો છે કે BCCIએ ભારત બનામ પાકિસ્તાન આગામી મેચોને હાઇબ્રિડ મોડલ હેઠળ કરાવવાની માગ ને નકારી દીધી છે.
પાકિસ્તાનની માગ એ હતી કે આગામી 3 વર્ષ સુધી કોઈ પણ ICC ઇવેન્ટમાં ભારત બનામ પાકિસ્તાન મેચને ન્યુટ્રલ વેન્યુ પર કરાવવામાં આવે. ન્યુટ્રલ વેન્યુ તરીકે દુબઈનું નામ આપવામાં આવ્યું હતું અને આ ફોર્મ્યુલાને પહેલાં ‘પાર્ટનરશિપ’ કહીને સંબોધવામાં આવ્યું હતું. શરૂઆતમાં તેને લીલી ઝંડી આપવાની અટકળો હતી, પરંતુ હવે પાકિસ્તાની મીડિયા મુજબ BCCIએ આ માગને નકારી દીધી છે. પાકિસ્તાનને દુઃખે છે કે પેટ અને કૂટે છે માથું. હવે ICCથી પાકિસ્તાને એની આવક 5.75 ટકાથી વધારવાની માગ કરી છે. ICCની આ આવકના મોડલ હેઠળ વાર્ષિક 60 કરોડ ડોલર વિતરિત કરે છે, જેમાંથી BCCIને સૌથી વધુ 38.50 ટકા (આશરે રૂ. 1953 કરોડ વાર્ષિક) હિસ્સો મળે છે, જ્યારે એસોસિયેટ દેશોને 11.19 ટકા મળે છે. ઇન્ગલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનને પ્રતિ વર્ષ ક્રમશઃ 6.89 ટકા, 6.25 ટકા અને 5.75 ટકા મળે છે.