ટોક્યો ઓલિમ્પિક્સઃ કુસ્તીબાજ રવિકુમાર દહિયાને મળ્યો રજત

ટોક્યોઃ ભારતના 23-વર્ષના કુસ્તીબાજ રવિકુમાર દહિયાએ અહીં ઓલિમ્પિક્સ-2020માં કુસ્તીની રમતમાં સિલ્વર મેડલ જીતીને ભારતના મેડલોની સંખ્યા વધારી છે. દહિયાનો મેન્સ 57 કિ.ગ્રા. ફ્રીસ્ટાઈલ વર્ગમાં રશિયન ઓલિમ્પિક કમિટી (ROC)ના પહેલવાન અને બે વાર વર્લ્ડ ચેમ્પિયન બનેલા ઝાવુર ઉગ્યેવ સામે પરાજય થયો છે. સમગ્ર મેચમાં ઉગ્યેવે દહિયા પર વર્ચસ્વ જાળવી રાખ્યું હતું અને દહિયાને ગોલ્ડ મેડલ જીતવાની એકેય તક આપી નહોતી. જો દહિયા વિજયી થયો હોત તો ઓલિમ્પિક્સમાં કુસ્તીની રમતમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ મળ્યો હોત. ઓલિમ્પિક્સમાં પુરુષોની કુસ્તી રમતમાં ભારતનો આ બીજો સિલ્વર મેડલ થયો છે. 2012ની લંડન ઓલિમ્પિક્સમાં સુશીલકુમારે 66 કિ.ગ્રા. ફ્રીસ્ટાઈલ વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. વર્તમાન ઓલિમ્પિક્સમાં આ સાથે ભારતના રજત ચંદ્રક બે થયા. 3 કાંસ્ય ચંદ્રક સાથે કુલ મેડલ થયા પાંચ. મેડલયાદીમાં ભારત 65મા નંબરે છે. યાદીમાં ચીન 34 સુવર્ણ, 24 રજત, 16 કાંસ્ય સાથે કુલ 74 મેડલ જીતીને પહેલા નંબરે છે. અમેરિકા 29 સુવર્ણ (કુલ 90) બીજા નંબરે, યજમાન જાપાન 22 સુવર્ણ (કુલ 46) સાથે ત્રીજા નંબરે છે. ટોપ-ફાઈવમાં અન્ય બે દેશ છે – ઓસ્ટ્રેલિયા (17,5,19,41) અને રશિયા (16,22,20,58).

દરમિયાન, હરિયાણા સરકારે સિલ્વર મેડલ જીતીને દેશનું નામ રોશન કરવા બદલ રાજ્યના વતની દહિયાને રૂ. 4 કરોડનું રોકડ ઈનામ આપવાની જાહેરાત કરી છે અને ક્લાસ-1 કેટેગરીની નોકરી પણ આપશે. તે ઉપરાંત રાજ્ય સરકાર દહિયા હરિયાણામાં ઈચ્છશે ત્યાં જમીનનો એક પ્લોટ 50 ટકા રાહતના દરે આપશે. તે ઉપરાંત દહિયાના કામ નાહરીમાં કુસ્તીની રમત માટેનું એક ઈન્ડોર સ્ટેડિયમ પણ બાંધી આપશે.