ભારતે ત્રીજી વન-ડે મેચમાં પણ ન્યૂઝીલેન્ડને હરાવ્યું; સીરિઝ 3-0થી કબજામાં લીધી

માઉન્ટ મોન્ગાનુઈ – વિરાટ કોહલીના સુકાનીપદ હઠળ ભારતીય ક્રિકેટ ટીમે એક વધુ સીરિઝ હાંસલ કરી છે. આ વખતે એણે ન્યૂઝીલેન્ડને એની જ ધરતી પર વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સીરિઝમાં ધૂળચાટતું કરી દીધું છે. આજે અહીં બૅ-ઓવલ મેદાન ખાતે રમાઈ ગયેલી સીરિઝની ત્રીજી વન-ડે મેચમાં ભારતે ગૃહ ટીમને 7-વિકેટથી પરાજય આપ્યો છે. આ સાથે ભારતે સીરિઝને 3-0થી પોતાના કબજામાં લઈ લીધી છે. ચોથી મેચ 31 જાન્યુઆરીએ હેમિલ્ટનમાં અને પાંચમી તથા છેલ્લી મેચ 3 ફેબ્રુઆરીએ વેલિંગ્ટનમાં રમાશે.

આજની મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગૃહ ટીમ 49 ઓવરમાં 243 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે તેના જવાબમાં, 43 ઓવરમાં 3 વિકેટ ખોઈને 245 રન કરીને મેચ જીતી લીધી હતી.

રોહિત શર્મા (62) અને શિખર ધવન (28)ની ઓપનિંગ જોડી 39 રનના સ્કોર પર તૂટ્યા બાદ વિરાટ કોહલી અને રોહિતે મળીને સ્કોરને 152 રન પર પહોંચાડ્યો હતો. રોહિત 77 બોલમાં 3 ચોગ્ગા, બે છગ્ગા સાથે 62 રન કરીને આઉટ થયો હતો.

ફાસ્ટ બોલર મોહમ્મદ શમીઃ 9 ઓવરમાં 41 રનમાં 3 વિકેટ લીધી, પ્લેયર ઓફ ધ મેચ બન્યો

કોહલીએ આજે પોતાની કારકિર્દીની 49મી હાફ સેન્ચુરી ફટકારી હતી.

168 રનના સ્કોર પર કોહલી (60) આઉટ થયા બાદ અંબાતી રાયડુ (40 નોટઆઉટ) અને વિકેટકીપર દિનેશ કાર્તિક (38)ની જોડીએ વધુ નુકસાન થવા દીધું નહોતું. બંનેએ 77 રનની અતૂટ ભાગીદારી કરી હતી.

અગાઉ ન્યૂઝીલેન્ડના દાવમાં, ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ઝડપેલી ત્રણ વિકેટને માટે એને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.

ન્યૂઝીલેન્ડના દાવની વિશેષતા રોસ ટેલરના 93 રન અને વિકેટકીપર ટોમ લેથમના 51 રન હતા.

શમીએ ટેલર ઉપરાંત ઓપનર કોલીન મુનરો (7) અને ઈશ સોઢી (12)ની વિકેટો ઝડપી હતી.

સાથી ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારે માર્ટિન ગપ્ટિલ (13) અને ટ્રેન્ટ બોલ્ટ (2)ને આઉટ કર્યા હતા.

એક ટીવી શોમાં વિવાદાસ્પદ કમેન્ટ કર્યા બાદ સસ્પેન્શન હેઠળ મૂકી દેવાયેલા, પણ બાદમાં સસ્પેન્શન સ્થગિત કરાતાં આજે રમવાનો મોકો મળતાં મધ્યમ ઝડપી બોલર-ઓલરાઉન્ડર હાર્દિક પટેલે પણ બે વિકેટ ઝડપી હતી. તે ઉપરાંત એણે ડાઈવ મારીને કેચ પકડતાં ન્યૂઝીલેન્ડ કેપ્ટન કેન વિલિયમ્સન (28)ની કિંમતી વિકેટ ભારતને સમયસર મળી હતી.

લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલે પણ બે બેટ્સમેનને આઉટ કરીને બોલિંગમાં પોતાનું યોગદાન આપ્યું હતું. આશ્ચર્યજનક રીતે, આજે ચાઈનામેન બોલર કુલદીપ યાદવને એકેય વિકેટ મળી નહોતી.[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]